રાજકોટ : રંગોની છોળો સાથે ધૂળેટીએ 5 ટનથી વધુ “શ્રીખંડ-મઠ્ઠો” ખવાઈ જશે, કેસર,મેંગો અને ફ્રૂટ્સ શ્રીખંડની વધુ માંગ
ગરમીનો પારો ઉંચો જતાં ઠંડક આપતાં શ્રીખંડ માટેના અત્યારથી ઓર્ડરો બુક થવા લાગ્યાં:કેસર,મેંગો અને ફ્રૂટ્સ શ્રીખંડની વધુ માંગ
રંગોનું પર્વ ધુળેટીની ઉજવણીની તૈયારીઓ શહેરભરમાં ચાલી રહી છે, ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં પણ પૂરી થઈ જતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ રાહતના શ્વાસ સાથે તહેવારની મોજ મન મૂકીને માણશે. આ વર્ષે ધુળેટીના પર્વ અગાઉ બજારોમાં રંગોની રોનક સાથે ડેરી અને સ્વીટમાર્ટમાં શ્રીખંડ, મઠો, બાસુંદીના એડવાન્સ ઓર્ડરો અપાઈ રહ્યા છે. જેનું મુખ્ય કારણ હોળી અને ધુળેટી પહેલા ગરમીનો પારો ઉચકાતા આ વર્ષે મીઠાઈની ડિમાન્ડ વધુ હોવાનો ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓનો મત છે.
દરેક તહેવારોની રંગત રંગીલા રાજકોટમાં અનોખી હોય છે. સાતમ આઠમ હોય દિવાળી હોય કે પછી હોળી ધૂળેટી શાનદાર ઉજવણીનો માહોલ રાજકોટનાં હૈયે હૈયે હોય છે,આથી દરેક ઉત્સવમાં મોઢું મીઠું કરવાની અને કરાવવાની પરંપરા પર આપણે ત્યાં જ રહેલી છે તેમ જણાવી રાજકોટ યુ ફ્રેશનાં કલ્પેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે, ખાસ કરીને આ વર્ષે હોળી અને ધૂળેટી પર શ્રીખંડ અને મઠાના એડવાન્સ ઓર્ડર આવી ગયા છે.
રાજકોટની વાત કરીએ તો 5 ટનથી વધુ શ્રીખંડ અને મઠો એક જ દિવસમાં સ્વાદ પ્રેમીઓ આરોગે છે. તેમના જણાવ્યા અનુસાર ઘરે પરિવારજનો સાથે જમણવાર તો હવે ધીમે ધીમે સોસાયટીઓમાં પણ ધુળેટીના દિવસે સવારથી બપોર સુધી રંગે રમીને બપોરે જમણવારના આયોજનો થતા હોય છે જેમાં શ્રીખંડ,પુરી અને ખમણનું જમણવાર ગોઠવાઈ છે.
સૌથી વધારે ધુળેટીના દિવસે કેસર શ્રીખંડ ઉપરાંત મેંગો મઠો અને ફ્રુટ શિખંડની ડિમાન્ડ વધુ રહેતી હોય છે. દર વખતે હોળી અને ધુળેટી પર ઠંડી રહેતી હોય છે પણ આ વર્ષે અત્યારથી આકરો તાપ ગરમી શરૂ થઈ જતાં શ્રીખંડ અને મઠો એક દિવસમાં 5,000 થી 7000 કિલો ખવાઈ જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
આ વખતે યુ.પી.ની મીઠાઈ “ગુજીયા”ની મીઠાશ રાજકોટમાં
રાજકોટમાં દરેક તહેવારમાં મીઠાઈ વધુ ખવાય છે.આ ધૂળેટીએ શ્રીખંડ, બાસુંદી સાથે યુ.પી.માં હોળી ધુળેટી માં પરંપરાગત રીતે ગુંજીયા અને ઠંડાઈ ખાવાની પરંપરા છે જે આ વર્ષે રાજકોટમાં પણ જોવા મળી છે. અનેક મીઠાઈના વેપારીઓ દ્વારા આ વખતે ગુંજીયા બનાવવાનો ફ્રેન્ડ શરૂ થયો છે તો સાથોસાથ ડેરીઓમાં ઠંડાઈનું વેચાણ પણ થશે.