રાજકોટ : આજે સાંજે રેસકોર્સમાં એક-એકથી ચડિયાતા ફટાકડાની ભવ્ય આતશબાજી કરશે મનપા : ૧૮ પ્રકારની વેરાયટી ફૂટશે
મહાપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે ભવ્યાતિભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે સાંજે ૭ વાગ્યે રેસકોર્સ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર આ કાર્યક્રમ યોજાશે. આતશબાજીમાં એક-એકથી ચડિયાતા ફટાકડાની આતશબાજી શહેરીજનોને નિહાળવા મળશે. આ કાર્યક્રમ એક કલાક સુધી ચાલનાર હોવાથી લોકો મોટી સંખ્યામાં વહેલી તકે પહોંચી જાય તેવી અપીલ પણ કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં વીવીઆઈપી-વીઆઈપી તેમજ આમંત્રિતોની એન્ટ્રી રેસકોર્સ સંકુલમાં આવેલ શ્રી વીર સાવરકર ઈનડોર સ્ટેડિયમથી હૉકી ગ્રાઉન્ડની ગેલેરી પાસે આવેલા જીમ તરફ જવાના રસ્તાથી થશે. જ્યારે કોર્પોરેટરો તેમજ પ્રેસ-મીડિયાની એન્ટ્રી બહુમાળી ભવન સામેથી રેસકોર્સ ક્રિકેટ સ્ટેડિયમના પેવેલિયન તરફ જવાના રસ્તાથી થશે.
જ્યારે લોકો બહુમાળી ભવન સામે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રસ્તાથી, શ્રી વીર સાવરકર ઈનડોર સ્ટેડિયમથી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના ગેઈટથી એન્ટ્રી કરી શકશે.
આતશબાજીના આ કાર્યક્રમમાં ફટાકડાની ૧૮ પ્રકારની વેરાયટીનું પ્રદર્શન કરવામાં આવશે જેમાં કોમેટ, માઈન્સ, એરિયલ શોટ, ૨૪૦ મલ્ટીકલર એરિયલ શોટ, ૧૦૦ શોટ-ક્રેકલિંગ, ૧૦૦ શોટ-મ્યુઝિકલ, ૧૦૦ શોટ-સાયરન, નાયગ્રા ફોલ્સ (૨૦૦ ફૂટ), હેપ્પી દિવાલી બોર્ડ સહિતના ફટાકડાનો સમાવિષ્ટ છે તેમ ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું.