રાજકોટ મહા (ઈવેન્ટ મેનેજમેન્ટ) પાલિકા: 200 અધિકારીને વાયબ્રન્ટમાં જોતરી દેવાયા, કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવી પડશે
રાજકોટમાં અટલ સરોવર ખાતે આયોજિત એર-શોને પૂર્ણ થયાને હજુ બહુ દિવસો થયા નથી ત્યાં હવે વાયબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ નજીક આવી જતા મહાપાલિકાના 200 અધિકારીઓને તેની તૈયારીમાં જોતરી દેવામાં આવતા છૂપા રોષ સાથે અધિકારીઓ કામે વળગી ગયા છે. આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થવાનું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે રાજકોટ માટે આ કાર્યક્રમ ઐતિહાસિક બની રહે તે માટે કલેક્ટર, મહાપાલિકા, પોલીસ સહિતના તમામ તંત્રએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મહાપાલિકાની વાત કરવામાં આવે તો મારવાડી યુનિવર્સિટી ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાવાનો છે. આ ઉપરાંત અટલ સરોવર ખાતે ગાલા ડિનર સહિતનો કાર્યક્રમ પણ આયોજિત થવાનો છે. આ સિવાય પણ અન્ય કાર્યક્રમો યોજાવાના હોય તેમાં કોઈ પ્રકારની અવ્યવસ્થા કે રાજકોટનું નામ ખરાબ થાય તેવું ન બને એટલા માટે મહાપાલિકાના મુખ્ય અધિકારીઓને તૈયારીમાં લાગી જવા નામજોગ ઓર્ડર કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો :રાજકોટમાં આજી-1, ન્યારી-1 ડેમનું 15 જાન્યુ.એ તળિયું દેખાઈ જશે, નર્મદાના નીર ઠાલવવા કોર્પોરેશનની માંગ
ખાસ કરીને કાર્યક્રમ સ્થળ ઉપરાંત અન્ય સ્થળો કે જ્યાં આ કાર્યક્રમ યોજાશે ત્યાં અને તેની આસપાસના રસ્તાઓને ટનાટન બનાવવા, આખા શહેરની સફાઈ કરવા, દબાણો હટાવવા, શહેરને શણગાર કરવા, પાર્કિંગની સુદૃઢ વ્યવસ્થા કરવા, કાર્યક્રમ સ્થળ ઉપરાંત જ્યાં જ્યાંથી વડાપ્રધાન તેમજ ઉદ્યોગપતિઓ પસાર થવાના હોય ત્યાં બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હોય તો તેને ગ્રીન નેટ લગાવવા, બગીચાઓ ચોખ્ખા કરવા સહિતની કામગીરી શરૂ કરી દેવા આદેશ કરી દેવામાં આવ્યો છે. આ કામગીરી મ્યુનિસિપલ કમિશનરના સુપરવિઝન હેઠળ ડે.મ્યુ.કમિશનર, તમામ ઈજનેર સહિતનાએ કરવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત દેશના ટોચના ઉદ્યોગપતિઓ પણ સામેલ થવાના છે ત્યારે આ કાર્યક્રમ રાજકોટ માટે યાદગાર બની રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ મહાપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ કે જેઓ અગાઉ મતદાર યાદી સુધારણાની કામગીરીમાંથી હજુ હળવા થયા જ હતા ત્યાં એર-શોનું આયોજન આવી પડતાં તેની તૈયારીમાં દસ દિવસ સુધી રાત-દિવસ એક કર્યા હતા ત્યારે હવે વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે અલગ-અલગ કમિટીઓ બનાવવામાં આવી હોવાથી હવે કામગીરીમાં જોતરાઈ જવાનું રહેશે.
