રાજકોટ લોકમેળો નહીં રાઈડ મેળો ! 50% પ્લોટ રાઇડ્સ માટે ફાળવાયા, ખાલી રહેલા સ્ટોલ-પ્લોટ RMC અને સેવાભાવી સંસ્થાઓને ફાળવાશે
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળામાં વિવિધ કેટેગરીમાં 143 સ્ટોલ-પ્લોટ ખાલી રહેતા જિલ્લા કલેકટરે વધુ બે દિવસ માટે ફોર્મ આપવા અને સ્વીકારવાનું શરૂ કરતા વધુ 19 ધંધાર્થીઓએ રસ દાખવી ફોર્મ જમા કરાવ્યા છે. જો કે, હવે લોકમેળામાં સ્ટોલ-પ્લોટ માટે મુદત નહીં વધારવામાં આવે તેમ સ્પષ્ટ કરી જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે લોકમેળામાં મનોરંજન માટે અઘોરી ગ્રુપ,કચ્છી કલાકારો સહિતના ગ્રુપ દ્વારા લોકોને મનોરંજન પીરસવામાં આવશે તેમ જાહેર કર્યું હતું.મહત્વનું છે કે લોકમેળામાં અત્યાર સુધીમાં 98 પ્લોટ વેચાયા છે જેમાં 50 ટકા એટલે કે, 49 પ્લોટ તો ચકરડી અને ફજત ફાળકાને જ ફાળવવામાં આવ્યા હોય લોકમેળો રાઈડ મેળો બનશે.

રેસકોર્સ મેદાન ખાતે તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળામાં એસઓપી પાલનને લઈ રાઇડ્સ સંચાલકોએ મેળાનો બહિષ્કાર કરતા લોકમેળા સમિતિનું આયોજન બખેડ઼ાઈ ગયું હોય તેવા ઘાટ વચ્ચે ચાર-ચાર વખત મુદત વધારવા છતાં રમકડાં અને ખાણીપીણીના ધંધાર્થીઓએ રસ દાખવ્યો ન હોવાથી હજુ પણ લોકમેળામાં 143 સ્ટોલ-પ્લોટ ખાલી રહેતા તંત્ર દ્વારા વધુ બે દિવસ માટે ફોર્મ વિતરણ અને સ્વીકારવાનું ચાલુ રાખતા તા.30 અને 31 દરમિયાન ફોર્મ વિતરણના અંતે કુલ 19 ધંધાર્થીઓએ ફોર્મ ભરીને રમકડાં, ખાણીપીણી અને આઈસ્ક્રીમ ચોકઠાં માટે રસ દાખવ્યો છે.નવા 19 ફોર્મ જમા થતા ડ્રો અને હરરાજી કેટેગરી મુજબ આ તમામ ધંધાર્થીઓને સમાવી લેવામાં આવશે.
આ પણ વાંચો : New Rules in August : LPG, UPI થી FASTag સુધી…આ 7 મોટા ફેરફાર તમારા ખિસ્સાને કરશે અસર, જાણો શું બદલાશે
નોંધનીય છે કે, લોકમેળામાં કુલ 234 પ્લોટ સામે 98 સ્ટોલ -પ્લોટ જ ગયા છે જેની સામે 34 પ્લોટ તો યાંત્રિક રાઈડસના અને 15 પ્લોટ નાની અને મધ્યમ ચકરડીના ગણવામાં આવે તો 50 ટકા સ્ટોલ તો ચકરડી અને ફજત ફાળકા માટે જ ફાળવવામાં આવ્યા હોય લોકમેળો રાઇડ્સ મેળો બની રહેશે. બીજી તરફ ખાણીપીણી, રમકડાં, એક ટી કોર્નર અને આઈસ્ક્રીમ ચોકઠાં મળી ફક્ત 49 ધંધાર્થીઓ જ મેદાને હોય આ વર્ષે લોકમેળામાં લોકોને જોઈએ તેવી રંગત નહીં માણવા મળે.જો કે, જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, લોકમેળામાં લોકોના મનોરંજન માટે ટુરિઝમ વિભાગ મારફતે અઘોરી ગ્રુપ, કચ્છના પ્રખ્યાત કલાકારોના ગૃપ સહિતનાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હવે બાકી વધતા સ્ટોલ સંસ્થાઓ અને મહાનગર પાલિકાને ફાળવવામાં આવશે.
