રાજકોટના લોકમેળાનું સમાપન : 5 દિવસમાં 14 લાખ લોકો ઉમટ્યા,બીલીમોરામાં રાઈડ તૂટવાની ઘટના બાદ તંત્રનો મુદત વધારવાનો ઇન્કાર
સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ગણાતા રાજકોટના પાંચ દિવસીય લોકમેળાનું સોમવારે રાત્રે સમાપન થયું હતું.લોકમેળામાં રાઈડસ સંચાલકોની ભૂલના કારણે ઉદઘાટન બાદ બીજા દિવસે રાઈડસની મંજૂરી આપવામાં આવી હોય રાઈડસ સંચાલકોએ ધંધામાં ખોટનું બહાનું આગળ ધરી એક દિવસ માટે મેળાની મુદત વધારવા માંગ કરી હતી. જો કે, નવસારીના બીલીમોરામાં રાઈડ તૂટી પડવાની ઘટનાને ધ્યાને લઈ જિલ્લા કલેકટર દ્વારા મુદત વધારવા ઇન્કાર કરી દીધો હતો. લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન અંદાજે 14 લાખથી વધુ માનવમેદની ઉમટી પડી હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે તા.14 ઓગસ્ટથી પાંચ દિવસીય જન્માષ્ટમીના શૌર્યનું સિંદૂર લોકમેળાનું પ્રભારી મંત્રીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યા બાદ પ્રથમ દિવસથી જ મેળાની રંગત જામી હતી પ્રથમ દિવસે 2.67 લાખ લોકોએ મેળો માણ્યો હતો. પાંચ દિવસ દરમિયાન દરરોજ બેથી ત્રણ લાખ કરતા પણ વધુ માનવ મેદની ઉમટી પડતા લોકમેળામાં ખાણીપીણી, રાઈડ્સ, રમકડા સહિતના તમામ ધંધાર્થીઓને તડાકો બોલી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, જન્માષ્ટમી મેળામાં સાતમ અને આઠમના દિવસે વરસાદી વિઘ્ન આવવા છતાં લોકોએ મનભરીને મેળાની મોજ માણી હતી અને જન્માષ્ટમીના દિવસે 3.54 લાખ લોકો મેળામાં મહાલ્યા હતા. સાથે જ મેળાના અંતિમ દિવસે સાંજ સુધીમાં જ સવા લાખથી વધુ મુલાકાતીઓ મેળાની મજા માણવા ઉમટી પડ્યા હતા.
લોકમેળામાં ક્યાં દિવસે કેટલા મુલાકાતી
| દિવસ | મુલાકાતી |
| રાંઘણ છઠ્ઠ | 2,67,000 |
| શીતળા સાતમ | 3,15,000 |
| જન્માષ્ટમી | 3,54,000 |
| નવમી | 2,53,000 |
| દસમ | 2,25,000 |
જિલ્લા વહીવટી તંત્ર આયોજિત લોકમેળામાં ડ્રોન અને એઆઈ ટેક્નોલોજી ઉપરાંત દરેક પ્રવેશદ્વાર ઉપર મુકવામાં આવેલ ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ વડે મેળામાં આવતા મુલાકાતીઓની ગણતરી કરવામાં આવે છે જે ગણતરી મુજબ પાંચ દિવસમાં અંદાજે 13 લાખથી વધુ મુલાકાતીઓએ લોકમેળાની વિઝીટ કરી હતી.
આ પણ વાંચો : રાજકોટ શહેરના 4 DCP સહિત રાજયના 116 ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા

બીજી તરફ સોમવારે પાંચ દિવસીય શૌર્યનું સિંદૂર લોકમેળાની મુદત પૂર્ણ થતી હોવાથી લોકમેળામાં યાંત્રિક રાઈડસ સહિતના ધંધાર્થીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને મળી મેળાની મુદત વધારવા માટે માંગણી કરતા રજુઆત કરી હતી કે, લોકમેળાના પ્રારંભથી લઈ સાતમના દિવસે બપોર સુધી રાઈડસ શરૂ થઇ શકી ન હોય જેથી મેળાની મુદત વધારવામાં આવે, સાથે જ રાઈડસ સંચાલકોએ રાજકીય આગેવાનો મારફતે પણ મુદત વધારવા માટે રજૂઆતના પ્રયાસ કર્યા હતા. જો કે, નવસારીના બીલીમોરા ખાતે આયોજિત સોમનાથના મેળામાં ટાવર રાઈડ તૂટી પડવાની ઘટના બની હોય તંત્ર દ્વારા મેળાની મુદત વધારવા સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.
