રાજકોટના વકીલોનો એક જ સૂર : હાઈ-વે પર હેલ્મેટ જરૂરી પણ સિટીમાં અનિવાર્ય નથી! કહ્યું-પહેલા રસ્તાની હાલત સુધારવી જોઈએ
રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી લોકોના મુખે એક જ વાત સંભળાય છે ‘હેલ્મેટ’ કેટલાક આ કાયદાને સમર્થન આપે છે, તો કેટલાક તેનો વિરોધ કરે છે. થોડા દિવસ પહેલાં રાજકોટની કોર્ટમાં પોલીસ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વકીલોને 500 અને કોર્ટના સ્ટાફને મળીને કુલ 1000 હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાયદાના નિષ્ણાતો ખરેખર હેલ્મેટ પહેરે છે, કે માત્ર ફોટો સેશન માટે હેલ્મેટ લઈને ઊભા રહે છે, તે જાણવા ‘વૉઇસ ઑફ ડે’ની ટીમ કોર્ટમાં પહોંચી હતી. તપાસમાં જાણવા મળ્યું કે 70% વકીલો હેલમેટ સાથે જોવા મળ્યા, જ્યારે બાકીના 30% વકીલોએ હેલ્મેટ પહેર્યું ન હતું. હેલ્મેટ ન પહેરનારા વકીલોએ સરકારના આ નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કર્યો અને બોમ્બે હાઇકોર્ટના ચુકાદાને આગળ ધરીને જણાવ્યું કે, ‘હેલ્મેટ હાઈ-વે પર ફરજિયાત છે, શહેરમાં નહીં.” કેટલાકે એમ પણ કહ્યું કે હેલ્મેટનો કાયદો લાગુ કરતા પહેલા સરકારે રાજકોટના રસ્તાઓની ખરાબ હાલત સુધારવી જોઈએ.
‘મારે હેલ્મેટ પહેરવું જ નથી, એટલે લીધું પણ નથી’ એડવોકેટ બાલારામ એસ. પંડિત

એડવોકેટ બાલારામ પંડિત કોર્ટમાં હેલ્મેટ વિના આવ્યા હતા. તેમણે જણાવ્યું, “કોર્ટમાં હેલ્મેટનું વિતરણ થયું ત્યારે પણ મેં હેલમેટ લીધું નથી, કારણ કે મારે પહેરવું જ નથી. કાયદા પ્રમાણે હેલ્મેટ હાઇવે પર ફરજિયાત છે, શહેરમાં નહીં. સરકારે પહેલા રસ્તાઓની હાલત સુધારવી જોઈએ, પછી આ કાયદો લાગુ કરવો જોઈએ.”
‘મારી પાસે હેલ્મેટ છે, પણ હું કાયદાના વિરોધમાં નથી પહેરતો : એડવોકેટ જિગ્નેશ પંડયા

એડવોકેટ જિગ્નેશ પંડ્યાએ કહ્યું, “સરકારનો ફરજિયાત હેલ્મેટનો કાયદો અયોગ્ય છે. હેલ્મેટ હાઇવે પર જરૂરી છે, શહેરમાં નહીં. મારી પાસે હેલ્મેટ છે, પણ હું આ કાયદાના વિરોધમાં નથી પહેરતો. લોકોએ આ કાયદા સામે લડવું જોઈએ. જો કોઈને દંડ થાય અને કેસ લડવો હોય, તો હું નજીવા દરે તેમનો કેસ લડીશ. રસ્તાઓના ખાડાઓને કારણે અકસ્માતો વધે.”
‘આ કાયદો સામાન્ય વર્ગના લોકોને હેરાન કરવા માટે બનાવાયો છે’ : એડવોકેટ બીના પટેલ

એડવોકેટ બીના પટેલે જણાવ્યું, “ઉચ્ચ વર્ગ કારમાં સફર કરે છે, જ્યારે સામાન્ય વર્ગ બાઇક પર આધાર રાખે છે. કેટલાક લોકો પાસે પૈસાની તંગી હોય છે, અને હેલ્મેટના દંડની રકમ તેમના માટે ભારણ બની જાય છે. આ કાયદો સામાન્ય લોકોને હેરાન કરવા માટે બનાવાયો છે. લોકો જાણે છે કે શું સારું અને શું ખરાબ, તો આ કાયદો ફરજિયાત હોવો જોઈએ નહીં. હું આ કાયદાનો વિરોધ કરું છું.”
‘હેલમેટ પહેરવાથી ઘણી અગવડ થાય છે, સરકારે આ બાબતે ફેરવિચાર કરવો જોઇએ’: કલ્પેશ મોરી

કલ્પેશ મોરીએ કહ્યું, ‘હેલ્મેટ પહેરવાથી લોકોને ઘણી અગવડ થાય છે, જેમ કે સાચવવાની મુશ્કેલી અને બાજુઓ જોવામાં તકલીફ. કેટલાક લોકો દંડથી બચવા માટે નબળી ગુણવત્તાના હેલ્મેટ પહેરે છે, જેનો કોઈ ફાયદો નથી. સરકારે લોકોના મંતવ્યો જાણીને આ થોપાયેલો કાયદો રદ કરવો જોઈએ. કોર્ટમાં હેલ્મેટ વિતરણ દરમિયાન માત્ર થોડા વકીલોએ જ હેલ્મેટ લીધા, મોટાભાગના વકીલોએ તે લીધા નથી.”
‘પહેલા રસ્તાઓ સુધારવા જોઇએ, પછી આ કાયદો યોગ્ય છે’ : એડવોકેટ નાસીર મોદન

એડવોકેટ નાસીર મોદને બોમ્બે હાઇકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતાં કહ્યું, “હાઇ-વે પર હેલ્મેટ ફરજિયાત છે, પણ શહેરમાં નહીં. સરકારે પહેલા રસ્તાઓની હાલત સુધારવી જોઈએ, પછી આ કાયદો લાગુ કરવો યોગ્ય રહેશે. 500-1000 રૂપિયાનો દંડ સામાન્ય લોકો માટે ખૂબ વધારે છે. સરકારે લોકોને હેલ્મેટ વિશે જાગૃત કરી, ધીમે-ધીમે આ કાયદો લાગુ કરવો જોઈએ.”
‘શહેરમાં બાઇકની ઝડપ વધુ નથી, તેથી હેલમેટની જરૂર નથી’ એડવોકેટ હેમંત સાગર

એડવોકેટ હેમંત સાગરે જણાવ્યું, “શહેરી વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાને કારણે બાઇકની ઝડપ વધુ હોતી નથી, જેથી અકસ્માતની શક્યતા નજીવી છે. રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત ન હોવું જોઇએ. સરકારે આ કાયદો લોકોને હેરાન કરવા માટે ખોટી રીતે બનાવ્યો છે.”
