રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી ‘પાણીવિહોણું’ : મુસાફરોની હાલત કફોડી, ટોયલેટમાં પાણી ન મળતાં કેન્ટીનમાંથી પાણીની બોટલો ખરીદવી પડી..!!
પાઈપલાઈનમાં લીકેજ આવતાં આખો દિવસ પાણી ન મળ્યું:ટર્મિનલનાં ટોયલેટમાં પાણી ન મળતાં કેન્ટીનમાંથી પેસેન્જરોએ પાણીની બોટલો ખરીદવી પડી..!! કર્મચારીઓને પણ પાણી માટે ફાંફા:ખુલાસો આપવાના બદલે પ્રોજેકટ અધિકારીઓનું ‘મૌન’
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એક વખત પાણીની ગંભીર સમસ્યા સર્જાતા આ વખતે પેસેન્જર્સની સાથે કામ કરતાં કર્મચારીઓને પણ આખો દિવસ પાણી વગર રહેવું પડ્યું હતું. ટર્મિનલ પરથી તમામ મુસાફરોની હાલત કફોડી બની હતી, પીવાનું પાણી પણ ન મળ્યું અને ટોયલેટ માટે પાણી આવતું ન હોવાથી લોકોને કેન્ટીનમાંથી રૂપિયા ખર્ચીને પાણીની બોટલ લેવાનો વારો આવતાં એરપોર્ટની પ્રાથમિક સુવિધા સામે પણ સવાલો ઊભા થયા છે.
હીરાસર એરપોર્ટ પર પાણીનો પ્રશ્ન શરૂઆતના તબક્કાથી જ રહ્યો છે, હંગામી ધોરણે ચાલતા ટર્મિનલ પર હીરાસર એરપોર્ટ નું જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે જ પાણીની સમસ્યા ઉભી થઇ હતી, એ સમયે પણ પાણીને લઈને ભારે વિવાદ ઊભો થયો હતો.
જ્યારે ગઈકાલે સવારે હિરાસર એરપોર્ટ પર જે પાઇપલાઇનથી પાણી વિતરણ થાય છે તે પાઇપલાઇન તૂટી જતાં સવારે 6:00 વાગ્યાથી લઈ બપોરે 2 વાગ્યા સુધી પાણી આવ્યું જ ન હોવાના લીધે પીવાનાં પાણી થી લઈ ટોયલેટમાં પણ પાણી ન આવતાં પેસેન્જર્સએ દેકારો બોલાવ્યો હતો. એરપોર્ટ પરની સ્થાનિક એન્જિનિયરિંગ ટીમ દ્વારા તાબડતોબ પાણીની પાઇપલાઇન રીપેર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
એરપોર્ટ પર પાણીના પ્રશ્નને લઈને ઓથોરિટી કે એન્જિનિયરોએ ચુપકીદી સેવી લીધી હતી. બપોરે 2:00 વાગ્યા બાદ ટર્મિનલ પર પાણી શરૂ થયું હતું જોકે એરપોર્ટના અન્ય વિભાગોમાં પાણીના મળતા કર્મચારીઓમાંથી પણ ફરિયાદો ઊભી થઈ હતી.