રાજકોટ : આજે કૃષિમંત્રીના હસ્તે ધરોહર લોકમેળો ખુલ્લો મુકાશે,ડ્રોનથી સતત કરાશે મોનીટરીંગ
- લોકમેળામાં ડ્રોનથી સતત મોનીટરીંગ, 1266 પોલીસ જવાન અને એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો તૈનાત
રાજકોટ : રાજકોટના ધરોહર લોકમેળામાં રાઇડ્સ ચાલે કે, ન ચાલે પણ આજે બપોર બાદ રાજ્યના કૃષિમંત્રી અને રાજકોટના પ્રભારીમંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે, ઉલ્લેખનીય છે કે, ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટનાને પગલે લોકમેળામાં સુરક્ષાનો વિશેષ બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને સ્થાનિક પોલીસ ઉપરાંત એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો તૈનાત કરી ડ્રોનથી સતત મોનીટરીંગ ક્રાઉડ મેન્જમેન્ટ કરવામાં આવશે.
દરવર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળા સમિતિ રાજકોટ આયોજિત ધરોહર લોકમેળો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે સાંજે 4:30 કલાકે રેસકોર્સ મેદાન ખાતે ખુલ્લો મુકાશે. આ તકે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, ભાનુબેન બાબરીયા, મેયર, ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યો અને મહાનુભાવો હાજર રહેશે અને રંગારંગ કાર્યક્રમો સાથે મેળાનો શુભારંભ કરવામાં આવશે.
નોંધનીય છે કે, ધરોહર મેળો વધુ સુરક્ષિત અને સગવડભર્યો બને તે માટે વહીવટીતંત્ર દ્વારા લોકમેળામાં વીમાની રકમ ગયા વર્ષે પાંચ કરોડની હતી, જે આ વર્ષે વધારીને દસ કરોડની કરાઇ છે. કુદરતી આફતોમાં પણ વિમા કવચ મળશે. કાયદો વ્યવસ્થાની જાળવણી માટે 3 ડી.સી.પી., 10 એ.સી.પી., 28 પી.આઈ., 81 પી.એસ.આઈ., 1067 પોલીસ કોન્સ્ટેબલ, 77 એસ.આર.પી. સહીત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે.આ ઉપરાંત ખાનગી સિક્યોરીટી ગાર્ડ પણ ફરજ બજાવશે. જનતાની સુરક્ષા માટે 14 વોચટાવર ઉપર સીસીસી ટીવી કેમેરાથી વોચ રખાશે. મેળામાં આવતા પ્રજાજનો માટે જુદી જુદી 17 જેટલી જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ધરોહર લોકમેળામાં લોકોના મનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ધરોહર લોકમેળાના આજના ઉદઘાટન સમારંભમાં રાજકોટના શ્રી વૃંદ દ્વારા અર્વાચીન ગરબો, રાજકોટના મેગીસ ક્રિએશન, ભાવનગરના બજરંગ કલા ચેરીટેબલ ટ્રસ્ટ, જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ચોરવાડના હોલી-હુડો ગ્રુપ દ્વારા હુડો રાસ, પોરબંદર જિલ્લાના બોખીરા ગામના શ્રી ચામુંડા મહેર રાસ મંડળ દ્વારા ઢોલ-તલવાર રાસ, ગીરસોમનાથના ગેબી સરકાર ગ્રુપ દ્વારા આદિવાસી ધમાલ નૃત્ય, રાજકોટના લોકગાયક દિવ્યેશભાઈ જેઠવા દ્વારા ડાયરાની પ્રસ્તુતિ કરાશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના સૌથી મોટા ગણાતા રાજકોટના લોકમેળામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈ દુર્ઘટના કે ભાગદોડની ઘટના ન બને તે માટે ક્રાઉડ મેન્જમેન્ટ સિસ્ટમ ગોઠવી ડ્રોનથી મોનીટરીંગ કરવાની સાથે લોકમેળામાં એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો, એનસીસી, એનએસએસના કેડેટ્સ તેમજ આપદા મિત્રોને પણ તૈનાત કરવામાં આવ્યા હોવાનું નિવાસી અધિક કલેકટરે જણાવ્યું હતું.
એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમનું આગમન
રાજકોટ નિવાસી અધિક જિલ્લા કલેકટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે, રાજકોટના લોકમેળામાં લાખો સહેલાણીઓ આવતા હોય લોકોની સુરક્ષા માટે પ્રથમ વખત જ લોકમેળામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને બોલાવવામાં આવી છે, શુક્રવારે બપોરે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો આવી જતા લોકમેળા સંદર્ભે બન્ને ટીમના અધિકારીઓએ કલેકટર તંત્ર સાથે બેઠક પણ યોજી હતી. વધુમાં નિવાસી અધિક કલેકટર ગાંધીએ ઉમેર્યું હતું કે, લોકમેળામાં એનસીસી, એનએસએસ અને આપદા મિત્રોને પણ તૈનાત કરવામાં આવશે.