રાજકોટમાં હજુ તો શિયાળાનો પગરવ થયો ત્યાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓમાં વધારો! મનપાના ચોપડે રોગમુક્ત શહેર
રાજકોટ શહેરમાં હજુ તો શિયાળાની ઋતુના પગરવ થયા છે ત્યાં સિઝનલ, વાઈરલ શરદી, તાવ, ઉધરસના કેસમાં ઉછાળો આવ્યો છે. જ્યારે મહાપાલિકાના દફતરે ડેંગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, કમળો, કોલેરા, આવા રોગો સાવ નિયંત્રિત થઈ ગયા હોય તેમ માત્ર નોંધ પુરતા પુરા શહેરભરમાંથી મહાપાલિકાની આરોગ્ય શાખાને ચાર દર્દી જ મળ્યા છે. જ્યારે તાવ, શરદી, ઉધરસના પુરા શહેરમાંથી 2,169 દર્દી નોંધાયા છે.
મહાપાલિકાની આરોગ્ય શાખાએ જાહેર કરેલી સાપ્તાહિક કામગીરીના સરવૈયામાં શહેરમાં ડેંગ્યુનો એક જ દર્દી છે. ટાઈફોઈડ તાવનો એક, કમળાના બે દર્દી મળ્યા છે. આ વર્ષના 11 માસમાં ડેંગ્યુના કુલ 29, મલેરિયાના 22, ચિકનગુનિયાના માત્ર 13 કેસ જ નોંધાયા છે.
જ્યારે આ પુરા વર્ષ કોલેરા અને મરડાના એક પણ દર્દી નથી મળ્યા. કમળાના 149 અને ટાઈફોઈડ તાવના 97 દર્દી વર્ષભરમાં મહાપાલિકાના ચોપડે ચડ્યા છે.
આ પણ વાંચો :ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ ગમે ત્યારે થશે : સુરેન્દ્રનગર SPના માર્ગદર્શન હેઠળ સીટની ટીમને સાથે રાખી કાર્યવાહી
જ્યારે શિયાળાની ઠંડી ઋતુની અસર દેખાઈ રહી હોય તેમ શરદી-ઉધરસના આ સપ્તાહમાં 1276 દર્દી, તાવના 893 કેસ મળ્યા છે. વર્ષ દરમિયાન શહેરભરમાં વીસ લાખથી વધુની જનસંખ્યામાંથી મહાપાલિકાની આરોગ્ય શાખાની ગણતરી કે આંકડાકિય માયાજાળરૂપ માત્ર 37,341 વ્યક્તિને જ આખા વર્ષમાં શરદી, ઉધરસ થયા હતા. જ્યારે 36,564ને તાવ આવ્યો હતો.
આમ, મનપાના દફતરના આંકડા મુજબ રાજકોટ આરોગ્યસ્પદ શહેર કહી શકાય. બાકી વાસ્તવિક્તા કંઈક અલગ જ હશે. સપ્તાહ દરમિયાન મનપાની આરોગ્ય શાખા દ્વારા 7,572 ઘરોમાં પોરાનાશક કામગીરી, 786 ઘરોમાં ફોગીંગ કર્યાનો દાવો કરાયો છે. જ્યારે 118 વાણિજ્ય સંકૂલોમાં તેમજ રહેણાંક 60 અને 19 અન્યને મચ્છરોની ઉત્પતિ સંબંધે નોટિસ અપાઈ છે.
