રાજકોટ ગોઝારો સિટીબસ અકસ્માત કેસ : 4 નિર્દોષ વ્યક્તિનો ભોગ લેનારા બસ ચાલક શિશુપાલસિંહ રાણાની જામીન અરજી રદ
રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ પર સિગ્નલ ખુલતાની સાથે જ માતેલા સાંઠની માફક ઘસી આવલી મનપાની સિટી બસે ચાર લોકોના ભોગ લીધા હતા. ત્યારે 5 મહિનાથી જેલમાં રહેલ બસ ચાલક શિશુપાલસિંહ રાણાએ ચાર્જશીટ બાદ મુકેલી જામીન અરજી અદાલતે ફગાવી દીધી હતી છે.

આ કેસની હકિકત મુજબ, ગત તારીખ 16 એપ્રિલના સવારે શહેરના ઇન્દિરા સર્કલ પાસે સિગ્નલ ખુલતા જ પાછળથી ઘસી આવલી સિટી બસે 7-8 વાહન ચાલકોને અડફેટે લીધા આ ગમખ્વાર અકસ્માતમાં બસના ટાયર નીચે કચડાઈ જતાં ચાર લોકોના મોત નીપજ્યા હતાં જયારે પાંચ લોકોને ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે સિટી બસ નંબર જીજે 03 બીઝેડ 0466 ના ચાલક શિશુપાલસિંહ દિલુભા રાણા ( ઉંમર 38, રહે. રતનપર ગામ) વિરુધ્ધ ગુનો નોધી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેનું ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડિટી 17/2 ના રોજ પૂર્ણ થઈ ગયા હતા તેમ છતાં તે બસ ચલાવતો હતો. પોલીસે ગુનો નોધી આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો. તેમજ પુરતા પુરાવા મળતાં તેની સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.
5 માસના જેલવાસ બાદ આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે અરજી ચાલવા પર આવતા સરકારી વકીલે ધારદાર દલીલો કરી વડી અદાલતના ચુકાદાઓને ધ્યાને રાખ્યા હતા. બંને પક્ષકારોની વિગતવાર દલીલો અને રજૂઆતોને અંતે સેશન્સ કોર્ટે આરોપી શિશુપાલસિંહ રાણાની જામીન અરજી ફગાવી દીધી હતી.આ કેસમાં સરકાર તરફે એપીપી બિનલ રવેશિયા રોકાયેલા હતા.