રાજકોટ : હેલ્મેટ-સીટ બેલ્ટ ન પહેરતા ચાલકોને હાર પહેરાવી કરાયું સન્માન, ડેન્જરસ એડવેન્ચર સ્પોર્ટ્સ અને RTOની સંયુક્ત જાગૃતિ ડ્રાઈવ
ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ દ્વારા અનેક રસ્તા અપનાવવામાં આવતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે સીટ બેલ્ટ અને હેલમેટ કેટલા જરૂરી છે છતાં અમુક લોકોને બાદ કરતાં આ નિયમ લોકો માનતા નથી ત્યારે વર્લ્ડ ટૂર પર નીકળેલી ડેન્જરસ એડવેન્ચર સ્પોર્ટ્સની રાજકોટ આવેલી ટીમે RTO સાથે મળીને એક અનોખી કામગીરી કરી હતી અને હેલ્મેટ-સીટ બેલ્ટ ન પહેરતા ચાલકોને હાર પહેરાવી સન્માન કરીને જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ શરૂ કર્યો હતો.
વર્લ્ડ ટૂર પર નીકળેલી ડેન્જરસ એડવેન્ચર સ્પોર્ટ્સની રાજકોટ આવેલી ટીમે RTO ની સાથે ગોંડલ ચોકડી ખાતે વાહન ચાલકોને અનોખી રીતે જાગૃતિ આપી હતી. હેલ્મેટ કે શીટ બેલ્ટ બાંધ્યા વિના વાહન ચલાવતા, ત્રિપલ સવારી વાહન ચલાવતા વાહન ચાલકોને ઊભા રાખી ફૂલનો હાર પહેરાવવામાં આવી હતી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ. લખનૌની ડેન્જરસ એડવેન્ચર સ્પોર્ટ્સ લોંગેસ્ટ વર્લ્ડ ટૂર બાય ઓન ફૂટની રથયાત્રા કે જેને લિમ્કા અને ગિનીઝ બૂક ઑફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમની ટીમ રાજકોટ આવી પહોંચી છે.
20 લોકોની આ ટીમ વર્ષ 2018 માં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરી આવી છે. માઉન્ટેઇન ટ્રેકર અને સાહસ માટે જાણીતી આ ટીમ ઓલ ઇન્ડિયા ટૂર કરી રહી છે. જેમાં તેઓ ભારતના 600 જિલ્લા અને અન્ય 11 દેશની યાત્રા કરી ચૂક્યા છે. અત્યારસુધીમાં તેઓ 4.48 લાખ કિલોમીટર પગપાળા ચાલ્યા છે અને તેનો લિમ્કા બુક ઑફ રેકોર્ડ નોંધાયેલો છે. ગુજરાતનાં 33 જીલ્લામાં હાલ આ રથયાત્રા ચાલી રહી છે. જેમાંથી 23 જિલ્લામાં યાત્રા પુર્ણ કરી રાજકોટ આવ્યા છીએ. અત્યારસુધીમાં 14.50 કરોડ વૃક્ષોનુ વાવેતર કર્યુ છે.
સડક સુરક્ષા અને જીવન રક્ષા નામના સૂત્ર પર કામ કરતી ઓલ ઇન્ડિયા ટૂરના જીતેન્દ્ર પ્રતાપે જણાવ્યું હતું કે, અમારી સૌથી લાંબી પગપાળા વર્લ્ડ ટૂર છે. હાલ અમે અહીં રાજકોટની ગોંડલ ચોકડી પર લોકોને જાગૃત કર્યા છે. જેમાં જે લોકો હેલ્મેટ પહેરી આવ્યા નથી અને શીટ બેલ્ટ પહેલીયા નથી તેઓને હાર પહેરાવી અનોખી રીતે સન્માન કર્યું હતુ. જેથી તેઓને પોતાની ભૂલનો અહેસાસ થાય. જેટલા કોરોનાથી મોત થયા નથી કેટલા મૃત્યુ માર્ગ અકસ્માતને કારણે થાય છે. અમે અપીલ કરી છે કે જે રીતે તમે તમારા મોબાઇલની સુરક્ષા રાખો છો તે રીતે વ્યક્તિગત શરીરની પણ સુરક્ષા રાખો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘરેથી બહાર નીકળો ત્યારે હેલ્મેટ પહેરીને જ નીકળો અને જો કાલ લઈને નીકળતા હોય તો સીટબેલ્ટ ફરજિયાત બાંધો. જરૂરી નથી કે યમરાજ ભગવાન રજા પર હોય. આ ઉપરાંત વાહન ચલાવતા સમયે ફોન ઉપર વાત ન કરો. જીવન ખૂબ જ મહત્ત્વનુ છે. જો તમારે તમારા જીવન પ્રત્યે બેદરકારી રાખીને આ જ રીતે જીવ દઈ દેવો હોય તો સરહદ ઉપર લડવા જવું જોઈએ.