બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં રાજકોટ જિલ્લો પ્રથમ : સરકારે કામગીરીને બિરદાવીને વિશેષ ગ્રાન્ટની ફાળવણી કરી
રાજકોટ શહેર અને જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા બાળ મજૂરીનું દુષણ રોકવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વીતેલા વર્ષમાં રાજકોટ જિલ્લામાંથી 52 બાળકોને રેસ્ક્યુ કરી સમાજના મુખ્યપ્રવાહમાં વાળવા માટે કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં રાજકોટની કામગીરી પ્રથમ ક્રમે રહેતા ગુજરાત સરકારે રેસ્ક્યુ કરાયેલા બાળકોના સુદ્રઢ ભવિષ્ય માટે વિશેષ ગ્રાન્ટ ફાળવી કામગીરીને બિરદાવી હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું.
ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકો તેમજ સગીર વયની વ્યક્તિ પાસેથી વેતનના બદલામાં કરાવવામાં આવતો શ્રમ ગુન્હો બનતો હોવા છતાં ચાની હોટલથી લઇ નાના-મોટા ઉદ્યોગો અને સોની બજાર જેવા વિસ્તારમાં બાળ શ્રમિકો કે તરુણો પાસે કામ કરાવવામાં આવતું હોય રાજકોટમાં કાર્યરત ટાસ્ક ફોર્સ દ્વારા છેલ્લા એક વર્ષમાં રાજકોટ શહેર -જિલ્લામાંથી આવા 52 બાળ તરુણોને મુક્ત કરાવી સુધારાગૃહમાં મોકલી આપી તેમના વાલીઓને સોંપવામાં આવ્યા હતા. વધુમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં સૌથી વધુ બાળ તરુણો પાસેથી કામ કરાવવાના કિસ્સા જેતપુરમાંથી તેમજ રાજકોટ સોની બજારમાથી સામે આવ્યા હતા.
વધુમાં રાજકોટ જિલ્લામાં બાળ-તરુણ શ્રમિકોને મુક્ત કરાવવાની કામગીરી અંતર્ગત 52 બાળકોને રેસ્ક્યુ કરી આવા બાળકો કે તરુણો ફરીથી વેઠિયા પ્રથામાં દાખલ ન થાય તેની કાળજી રાખી સરકારી તંત્ર દ્વારા આવા બાળકો અભ્યાસ કરી સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાય તે હેતુથી રાજકોટ જિલ્લાની કામગીરીને બિરદાવી સરકાર દ્વારા રૂ.50 હજારની વિશેષ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અંતમાં જણાવ્યું હતું.