રાજકોટ જિલ્લા કોંગ્રેસે તાલુકા પ્રમુખો નિમ્યા : ભાજપ પ્રથમ વખત પાછળ? નવી બોડી ક્યારે જાહેર થાય તેની બન્ને પક્ષમાં જોવાતી રાહ
રાજકોટ શહેર-જિલ્લો રાજકીય રીતે ભાજપ, કોંગ્રેસ તથા આપ ત્રણેય માટે મહત્વપૂર્ણ છે. આગામી ચૂંટણીઓને ધ્યાને લઈને સંગઠન મજબૂતી તરફ ચાલતી કવાયતમાં આ વખતે રાજકોટ જિલ્લા કોંગ્રેસ આગળ નીકળી હોય તેમ 17 તાલુકાઓમાં નવા પ્રમુખોની જાહેરાતો કરી છે. જ્યારે રાજકોટ જિલ્લામાં ભાજપમાં માત્ર પ્રમુખ (રિપીટ) થયા. જ્યારે રાજકોટ શહેરમાં ભાજપ, કોંગ્રેસ બન્નેના પ્રમુખ નવા ચહેરા આવ્યા, પણ બોડી (અન્ય હોદ્દેદારો) હજુ એના એ જ છે. નવી નિમણૂંકો જાહેર થઈ નથી.
કોંગ્રેસ દ્વારા આ વખતે પ્રદેશના બદલે કેન્દ્રીય લેવલથી પ્રમુખોના નિર્ણય જાહેર થયા હતા જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વધુ એક વખત હિતેષ વોરાની નિમણૂંક કરાઈ હતી. હિતેષ વોરાની જાહેરાત પૂર્વે જ ભાજપે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયાને રિપીટ કર્યા હતા. ઢોલરિયા નવી બોડી જાહેર કરશે તેવો જિલ્લામાં દાવેદારોને ઇંતજાર હતો જે હજુ સુધી ઇંતજાર જ રહ્યો છે. જ્યારે જિલ્લા કોંગ્રેસે ગઈકાલે 17 તાલુકાના પ્રમુખો જાહેર કર્યા છે. જેમાં રાજકોટ તાલુકા પ્રમુખ તરીકે એક્ટિવ કે દોડતા દેખાતા નિશીત ખૂંટને રિપીટ કરાયા છે. અન્યોમાં ગોંડલમાં હર્ષદસિંહ ઝાલા, જામકંડોરણા કિરીટસિંહ ગોહિલલ, જેતપુર, ચંદ્રેશ પરમાર, લોધીકા કૌશિક પાંભર, ધોરાજી રાજેશભાઈ અમૃતિયા, પડધરી મહિપાલભાઈ પાણ, ઉપલેટા તાલુ,કા લાખાભાઈ ડાંગર, કોટડાસાંગાણી પંકજભાઈ ગોંડલિયા, જસદણ સુરેશભાઈ ગીડા, વિંછીયા મુકેશભાઈ રાજપરા, ગોંડલ આશિષભાઈ કુંજડિયા, ઉપલેટા શહેર લક્ષ્મણભાઈ ભોપાળ, ધોરાજી શહેર દિનેશભાઈ વોરા, જેતપુર શહેર ગોવિંદભાઈ ડોબરિયા, જસદણ તથા ભાયાવદરમાં ધીરૂભાઈ છાયાણી, સંજય કુમાર ઝાલાવડિયાને પ્રમુખ બનાવાયા છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસે નિમણૂંકો જાહેર કરી દીધી.
આ પણ વાંચો : રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટરમાં લટકતા વીજવાયરોથી અરજદારો ઉપર જોખમ,જુઓ તસવીરો
હજુ જિલ્લા ભાજપમાં નિમણૂંકો થઈ નથી. રાજકોટ શહેરમાં પણ ભાજપ-કોંગ્રેસમાં બન્નેમાં આવી સ્થિતિ છે. શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે ડો.માધવ દવે આવી ગયા ત્યારબાદ શહેર કોંગ્રેસના નવા પ્રમુખમાં ડો.રાજદીપસિંહ જાડેજા મુકાયા. બન્ને પક્ષમાં પ્રમુખો નવા આવી ગયા પરંતુ માળખું હજુ જૂનું જ છે. બન્ને પ્રમુખો નવા આવતા હોદ્દેદારો પણ બદલાશે તેવી અટકળો ચાલતી હતી અને ચાલી રહી છે પરંતુ હજુ સુધી કોઈ ફેરબદલ થઈ નથી.
