રાજ્યમાં સૌ પ્રથમ રાજકોટ કન્ઝયુમર કોર્ટ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. જેમાં નોટિસ કવર પર એક ક્યુઆર કોડ આપવામાં આવશે જે સ્કેન કરતા જ નાગરિકોને કન્ઝયુમર પ્રોટેકશન એક્ટ, ફરિયાદ નિવારણ સંબંધી માહિતી મળી રહેશે.
રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગની કચેરી દ્વારા ગ્રાહક જાગૃતિ અર્થે ક્યુ.આર. કોડ પ્રિન્ટેડ નોટિસ કવર રાજકોટ સિટીના કલેક્ટર ડો.ઓમપ્રકાશ અને કમિશન પ્રમુખ જજ પી.સી. રાવલની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ તકે કલેક્ટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, આજના સમયમાં ગ્રાહકો તેમના હક્ક સંબધે વધુ ને વધુ જાગૃત બને અને તેઓને ફરિયાદ નિવારણ અર્થે કન્ઝયુમર એક્ટ દ્વારા યોગ્ય સમજ મળી રહે તે માટે આ પ્રકારનું ડિજિટલ નોટિસ કવર તૈયાર કરવામાં આવ્યું છે. જે નોટિસ પક્ષકારને જતા તેઓને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા અને કોર્ટ સંબંધી તમામ માહિતી જુદી જુદી ૧૭ ભાષાઓમા મળી જશે. આ ઇનોવેટિવ વિચારથી શહેરીજન તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો અને ગ્રાહક સંસ્થાને આયોગ સુધી રૂબરૂ આવવાની જરૂર રહેશે નહીં.
આ કાર્યક્રમમાં કન્ઝ્યુમર લો પ્રેક્ટિસનર એસોસિએશનના ઉપપ્રમુખ જી. એમ. જાનીએ આયોગ દ્વારા શરુ કરવામાં આવેલ પહેલને વધાવતા જણાવ્યું હતું કે, ક્યુ.આર. કોડ આધારિત નોટિસ કવર તૈયાર કરવાથી લોક જાગૃતિમાં વધારો થશે. ગ્રાહકોને વસ્તુની ઉંચી કિંમત, તકરાર, સેવા સંબંધી થતી છેતરપિંડીનો વિરોધ કરી ન્યાય માટે આગળ આવે તેવી અપીલ કરી આયોગ દ્વારા ઇનોવેટિવ વિચાર થકી ડિજિટલ નોટિસ ક્યૂ કોડ આપવા બદલ આયોગનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં આયોગના મદદનીશ નિયામક અર્પણ કોરડીયા, સભ્ય મુકેશભાઇ એસ ભટ્ટ, કન્ઝ્યુમર લો પ્રેક્ટિસનર એસોસિએશનના પ્રમુખ ડી.બી. વસાવડા, ઉપપ્રમુખ જી. એમ.જાની, સેક્રેટરી સુનિલ પોપટ તેમજ વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
