જેતપુરના પીઠડિયામાં હાઇવે ઓથોરિટીએ સંપાદનથી વધુ જમીન કબ્જે કર્યાની અપીલ ફગાવી દેતા રાજકોટ કલેકટર
રાજકોટ -જેતપુર સિક્સલેન હાઇવે પ્રોજેક્ટ હાલમાં વિલંબથી ચાલી રહ્યો છે. ખાસ કરીને ગોંડલ તાલુકાના રીબડા અને જેતપુરના પીઠડીયા નજીક જમીન સંપાદનને લગતા પ્રશ્નો છે ત્યારે જેતપુર તાલુકાના પીઠડીયા ગામના બે અરજદારોએ હાઇવે પ્રોજેક્ટમાં હાઇવે ઓથોરિટી દ્વારા સંપાદન કર્યાથી વધુ જમીન ઉપર કબ્જો કરી લીધો હોવાની અપીલ જિલ્લા કલેકટરની કોર્ટમાં કરતા જિલ્લા કલેકટરે બન્ને પક્ષની દલીલો બાદ વધુ જમીન કબ્જે કર્યાની ફરિયાદ કરનાર બન્ને અરજદારોની અપીલને ફગાવી દઈ નાયબ કલેકટર ગોંડલનો તકરારી કેસનો હુકમ યથાવત રાખ્યો હતો.

આ કેસની વિગત જોઈએ તો રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામે રેવન્યુ સર્વે નંબર 48 પૈકી1 તેમજ સર્વે નંબર 51 પૈકીની જમીન ધરાવતા રાજેશકુમાર નનકુભાઇ હુડળ અને હિમાંશુભાઈ જીલુભાઈ હુડળ દ્વારા નેશનલ હૉઇવે ઓથોરિટી દ્વારા તેમની જમીન વર્ષ 2007માં ભારત સરકારના શીપીંગ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય નેશનલ હાઇવેના મેનેજરને વેચાણ આપવામાં આવી હતી જેમાં સર્વે નંબર 48 પૈકી 1ની હેકટર 0-80-94 ચો.મી. પૈકી હેકટર 0-06-`4 ચો.મી. જમીન તથા સર્વેનં.51ની હેકટર 0-42-49 ચો.મી. પૈકી હેકટર 0-03-82 ચો.મી. જમીન જ વેચાણ આપી હોવા છતાં પણ હાઇવે ઓથોરિટી દ્વારા સંપાદન કરેલી જમીનથી વધુ જમીનમાં કબ્જો કરી લીધો હોય રેવન્યુ રેકર્ડમાં નોંધ સામે વાંધો લેતા નોંધ નંબર 5309 તકરારી થયા બાદ ગોંડલ પ્રાંત અધિકારી સમક્ષ ચાલી જતા પ્રાંત અધિકારીએ નોંધ પ્રમાણિત કરતા અરજદારોએ જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરી હતી.
વધુમાં રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા તકરારી નોંધના અપીલ કેસેમાં બન્ને પક્ષને સાંભળ્યા હતા જેમાં અરજદારોએ દલીલ કરી હતી કે, હાઇવે ઓથોરિટીએ દસ્તાવેજ મુજબ જમીનનો કબ્જો લીધેલ નથી, સાથે જ હાઇવે ઓથોરિટી દ્વારા વેચાણથી ખરીદવામાં આવેલ જમીન કરતા વધુ કબ્જો કરી જે જગ્યાએ જમીન છે તેની બદલે બીજે કબ્જો કરેલ છે. સાથે જ પીઠડીયા ગામના તલાટી મંત્રીએ દાખલો રજૂ કરી જણાવ્યું હતું કે, સર્વે નંબર 48ની 2 એકર 09 ગુંઠા જમીન સંપાદન કર્યાનો કોઈ એવોર્ડ જ નથી.આ તમામ હકીકત પ્રાંત ગોંડલ દ્વારા રેકર્ડ ઉપર લેવામાં ન આવી હોવાનું જણાવી અરજદારોએ પ્રાંત દ્વારા મનસ્વી રીતે હુકમ કર્યો હોવાની દલીલ કરી હતી.
આ પણ વાંચો : રાજકોટની માલવિયા કોલેજ પાસે પાણીની લાઈન ધડાકાભેર ફાટી : 3 વોર્ડમાં ધાંધિયા
જો કે, આ અપીલ કેસમાં અરજદારો દ્વારા વેચાણ દસ્તાવેજ 654 તેમજ 655ની જમીનની વેચાણ નોંધ સામે વાંધો ઉઠાવ્યો હોય જિલ્લા કલેકટર દ્વારા કાયદાથી પ્રસ્થાપિત થયેલા સિદ્ધાંત મુજબ જયારે રેવન્યુ ઓથોરિટી સમક્ષ કોઈપણ રજીસ્ટર્ડ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે ત્યારે એ ડોક્યુમેન્ટ અંગેની એન્ટ્રી પાડવી જોઈએ તેવું સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના અનેક ચુકાદામાં પ્રસ્થાપિત થયેલ હોય આ કિસ્સો પણ એવા જ પ્રકારનો હોય હાલની નોંધ પ્રમાણિત થયેલ હોવાની સાથે ગોંડલ પ્રાંત અધિકારીના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનું ઉચિત જણાતું ન હોવાનું નોંધી અરજદારોની અરજી રિજેક્ટ કરી હતી.
