બોગસ દસ્તાવેજ કૌભાંડમાં તમામ નોંધો રદ્દ કરવા રાજકોટ કલેકટરનો આદેશ, જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટ શહેરની સબ રજિસ્ટ્રાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર, પટાવાળા અને સુપરવાઈઝર સહિતની ત્રિપુટીએ કચેરીના રેકર્ડ સાથે ચેડા કરી કરોડો રૂપિયાની કિંમતી જમીન હડપ કરવા આચરેલા બોગસ દસ્તાવેજ કૌભાંડમાં તપાસ બાદ જિલ્લા કલેકટર દ્વારા નકલી દસ્તાવેજના આધારે સીટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડમાં પાડવામાં આવેલ તમામ નોંધ રીવીઝનમાં લઈ રદ કરવા હુકમ કર્યો છે. આશ્ચર્યની બાબત તો એ છે કે, બોગસ દસ્તાવેજના આધારે પારકી જમીન હડપ કરી લેનાર એક પણ કૌભાંડી રીવીઝન કેસની સુનાવણી દરમિયાન હાજર ન રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગત ડિસેમ્બર -2024માં રાજકોટ સબ રજિસ્ટ્રાર દ્વારા તેમની જ કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર જયદીપ ઝાલા, કિશન ચાવડા અને હર્ષ સોની અને મનીષ હેરમા સહિતના આરોપીઓ વિરુદ્ધ કચેરીના રેકર્ડ સાથે ચેડા કરી નકલી દસ્તાવેજ બનાવી લીધા હોવાની ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે જિલ્લા કલેકટરે પણ તપાસના આદેશ આપતા સીટી સર્વે કચેરી દ્વારા આવા અલગ અલગ કિસ્સામાં પ્રોપર્ટીકાર્ડમાં થયેલી વેચાણ નોંધ તેમજ વારસાઈ નોંધ અંગેનો અહેવાલ રજૂ કરતા જિલ્લા કલેકટર દ્વારા આવી તમામ નોંધ રીવીઝનમાં લેવામાં આવી હતી.જો કે, જિલ્લા કલેકટર દ્વારા બોગસ વેચાણ દસ્તાવેજની સીટી સર્વે કચેરીમાં કરવામાં આવેલી નોંધ રીવીઝનમાં લઈ કેસ ચલાવવાનું શરૂ કર્યા બાદ એક પણ મુદતે કૌભાંડીઓ હાજર રહયા ન હતા.
દરમિયાન રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા બોગસ દસ્તાવેજ પ્રકરણમાં અલગ અલગ પાંચ રીવીઝન કેસમાં સુનાવણી પૂર્ણ કરી સીટી સર્વે કચેરી દ્વારા પાડવામાં આવેલ વેચાણ તેમજ વારસાઈ નોંધ રદ કરવા હુકમ કર્યો હતો જેમાં જામનગરના કરશનભાઇ હરિયાભાઈ અસવાર દ્વારા દસ્તાવેજ નંબર 1294માં છેડછાડ કરી પડાવવામાં આવેલી નોંધ, રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ 514 ચોમી જમીન ખરીદીના નામે બોગસ દસ્તાવેજ રજૂ કરનાર મીતાબેન સુરેશભાઈ પરમાર વિગેરેએ પડાવેલી વેચાણ, વારસાઈ નોંધ, કરશન હરિયાભાઈ અસવારે રૈયા સર્વે નંબર 140ની 949 ચોમી જમીનમાં કરેલ બોગસ દસ્તાવેજની વેચાણ વારસાઈ નોંધ, ઉસ્માન ઇબ્રાહિમ કચરા અને શૌકત ઉસ્માન કચરાએ રૈયા રોડ સર્વે નંબર 462ની 269 ચોમી જમીની બોગસ વેચાણ નોંધ તેમજ રમેશ પરસોતમ મોદી, પરસોતમ ઓધવજી મોદી રહે.મુંબઈ વાળાઓએ અલગ -અલગ ત્રણ બોગસ દસ્તાવેજના આધારે પડાવેલી નોંધ રદ કરવા જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે રદ્દ કરવા હુકમ કર્યો હતો.
