રાજકોટ સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરની લિફ્ટ દિવસોથી બિમાર : પાટા બંધાયા, દરરોજ અસંખ્ય લોકોને મુશ્કેલી
સૌરાષ્ટ્રની મુખ્ય ગણાતી એવી રાજકોટની સિવિલ હોસ્પિટલ સમયાંતરે કોઈને કોઈ બાબતે કે વહીવટી ખામીને લઈને ચર્ચામાં કે ચકડોળે ચડતી રહે છે. કરોડોના ખર્ચે બનેલા ટ્રોમા સેન્ટરમાં લાંબા સમયથી એક લિફ્ટ બિમાર (બંધ) પડી છે. લિફ્ટ તો રિપેર નથી થઈ પરંતુ અક્કલનું પ્રદર્શન થતું હોય તે રીતે લિફ્ટને પણ પાટાપીંડી કરાયા છે. ડ્રેસીંગનો સફેદ કોટન બેન્ડેજ (પાટો) ખૂરશી અને લિફ્ટના દરવાજા સાથે બાંધી દેવાયો છે. આવા દૃશ્યો જોઈને લોકો કહેતા હશે કે અહીં ઈજાગ્રસ્ત દર્દીઓને પાટા પીંડી થાય કે ન થાય ઘાયલ (બંધ પડેલી) લિફ્ટને સફેદ પાટા બંધાયા છે. બંધ લિફટ પર બોર્ડ લટકાવી દેવાયું છે કે ટેકનીકલ કારણોસર લીફટ બંધ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સાત મજલાના ટ્રોમા સેન્ટરમાં દર્દીઓને એડમીટ કરવામાં આવે છે. બિલ્ડિંગમાં આવાગમન માટે દર્દીઓ, તેમના સ્વજનો અન્યોને સુવિધારૂપ લિફ્ટ છે પરંતુ વહીવટી ખામી અથવા તો એ.સી. ચેમ્બરમાં બેસીને વહીવટ ચલાવતા સિવિલના ઉચ્ચસ્તરીય બાબુઓ કદાચ ટ્રોમા સેન્ટર બાજુ આવવાની કે ચેમ્બર છોડવાની તસ્દી નહીં લેતા હોય તેમ પંદર દિવસથી બંધ લિફ્ટ તરફ કોઈની નજર ગઈ નથી. અધિકારીગણને તો કદાચ તેમને જોઈતી પુરતી પર્યાપ્ત સુવિધા મળી રહેતી હશે. જ્યારે અહીં આવતા ગરીબ કે આવા ખેવના કરાતી નથી. શ્રમિક પરિવારો માટે, દર્દીઓ માટે લિફ્ટ બંધ છે તેની કોઈ કદાચ એક-બે દિવસ રિપેરિંગ કે મેઈન્ટેનન્સના નામે બંધ રહે એ દર્દીઓ કે ત્યાં રોજીંદા આવતા અસંખ્ય લોકો સહી કે માની શકે પરંતુ લિફ્ટને એવી તે કેવી બિમારી લાગી ગઈ હશે કે 15-15દિવસ વિત્યે પણ ફરી સાજી (રિપેર થઈ ચાલુ) ન થઈ શકે. શું મેઈન્ટેનન્સ સંભાળનારા લોકોમાં ખામી ? લિફ્ટમાં કોઈ મોટી ખામી ? કે સત્તાવાહકો, તંત્રવાહકો બાબુઓ પાસે કામ લેવાની વહીવટી ખામી ?
આ પણ વાંચો : રાજ્ય સરકારનું આકરું પગલુ : રાજકોટનાં ઈન્ચાર્જ ચેરિટી કમિશનરની સત્તા ઉપર કાપ, ચાર્જ આંચકી લેવાયો
સિવિલના સુપ્રીમો કે કોઈ ઉચ્ચસ્તરીય બાબુઓને આ મુશ્કેલી નજરે પડે અને તાબડતોબ લિફ્ટ રિપેર (ફરી કાર્યરત) કરાવાશે કે કેમ ? અત્યારે રોજીંદા અસંખ્ય લોકો, દર્દીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. બીજી લિફ્ટ ચાલુ છે પણ બંધ લિફ્ટના કારણે ત્યાં લોડ વધવાથી એ લિફ્ટમાં ટેકનીકલ ક્ષતિ ન આવે તો હજુ એક રિપેર થઈ નથી ત્યાં બીજી પણ બિમાર (બંધ) પડશે. સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી કરોડોના બિલ્ડિંગમાં બંધ લિફ્ટ ફટાફટ ચાલુ કરાવવાની બાબુઓ તકલીફ લે તો સારું.
