રાજકોટ સિવિલમાં બિલાડીને દૂધના રખોપા જેવો ઘાટ : ખાનગી પ્રેક્ટિસ મામલે રેડિયોલોજી વિભાગના હેડના પુત્ર સહિત 19 તબીબો સામે તપાસ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો સિવિલમાં હાજર રહેવાને બદલે પોતના ખાનગી ક્લિનિક ચલાવતા હોવાની સાથે કેટલાક તબીબો નામાંકિત હોસ્પિટલમાં નોકરી કરતા હોવાની ડો.દોશીના નામે થયેલી અરજી બાદ રાજ્યના આરોગ્ય વિભાગમાંથી તપાસના આદેશ છૂટતા જ રાજકોટની પંડિત દીનદયાળ મેડિકલ કોલજેના ડીન બચાવની મુદ્રામાં આવી ગયા છે અને હાલમાં તપાસ સમિતિ બનાવી તપાસ કરવામાં આવી રહી હોવાનો રાગ આલાપ્યો છે. બીજી તરફ રાજકોટ સિવિલમાં રેડિયોલોજી વિભાગના હેડ એવા મહિલા તબીબનો પુત્ર પણ સિવિલમાં ફરજ બજાવવાને બદલે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ તો સિવિલામ બિલાડીને જ દૂધના રખોપા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોને ખાનગી પ્રેક્ટિસની મનાઈ કરવામાં આવી છે. સાથે જ નવા ડોક્ટરોની નિમણૂકમાં સરકારી હોસ્પિટલમાં ફરજ માટે નવા ભરતી કરવામાં આવતા તબીબોને સવારે 9થી સાંજના 5 દરમિયાન નોકરી બાદ ખાનગી પ્રેક્ટિસની છૂટ પણ આપવામાં આવી છે ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 19 તબીબો સિવિલમાં નોકરી કરવાને બદલે ખાનગીમાં નોકરી કરી સીવીલમાંથી મફતનો પગાર કટકટાવી રહ્યો હોવાના લેખિત પત્ર સાથે કોઈ ડો.દોશીએ સિવિલ સતાવાળાઓને ફરિયાદ કરતા જ મામલો ગરમાયો છે અને ગાંધીનગરથી તપાસના આદેશ આવ્યા હોવાનું સામે આવ્યું છે.

બીજી તરફ રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડો.ભારતી પટેલે સિવિલના તબીબોની ખાનગી પ્રેક્ટિસ મામલે જણાવ્યું હતું કે, મીડિયામાં રિપોર્ટ બાદ તેઓને ખબર પડી છે અને મીડિયા રિપોર્ટમાં છપાયેલા નામના આધારે હાલમાં તપાસ સમિતિની રચના કરી તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, રાજકોટ સિવિલના જે-જે તબીબો ખાનગી પ્રેક્ટિસ કરી રહ્યા છે તેમના નામ સામે આવ્યા છે જેમાં મોટાભાગના તબીબો ખાનગી પ્રેક્ટિસની છૂટ મેળવનાર છે પરંતુ તેઓ નિયમ મુજબ રાજકોટ સિવિલમાં સવારે 9થી સાંજના 5 દરમિયાન ફરજ ન બજાવતા હોવાનું તેમજ રેડિયોલોજી વિભાગના ડો.રાજ પટેલ નામના તબીબના માતા ડો.અંજના ત્રિવેદી રાજકોટ સિવિલમાં રેડિયોલોજી વિભાગના હેડ હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો : AAPના પ્રદેશ સહસંગઠન મંત્રી વિજયસિંહ જાડેજાનું નિધન : રાજકોટ મહાપાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા’ને આવ્યો હાર્ટ એટેક
સિવિલમાં બાયોમેટ્રિક હાજરી પણ શંકાના દાયરામાં
રાજકોટ સિવિલમાં ફરજ બજાવતા તમામ તબીબો માટે બાયોમેટ્રિક હાજરી ફરજીયાત છે ત્યારે સિવિલમાં નોકરીને બદલે ખાનગીમાં પ્રેક્ટિસ કરતા તબીબોની હાજરી બાયોમેટ્રિક સિસ્ટમમાં કેવી રીતે પુરાઈ જતી હોય છે તે બાબત પણ તપાસનો વિષય છે. આ અગાઉ રાજકોટ સિવિલના પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાધેશ્યામ ત્રિવેદીની પુત્રી પણ નિયમ મુજબ ફરજ ઉપર આવતા ન હોવાનો વિવાદ સર્જાયો હતો. જાણકાર સૂત્રોના મતે સિવિલમાં બાયોમેટ્રિક હાજરી માટે નકલી સિલિકોનના અંગૂઠાનો ઉપયોગ થઈ રહ્યો હોવાની આશંકા પણ દર્શાવવામાં આવી હતી.