રાજકોટ સિટી બસ અકસ્માત : બ્યુટીશયન સંગીતા ચોધરી હજુ નોકરી પર પહોંચે તે પહેલા જ કાળ આંબી ગયો
રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સીટી બસ યમ બની ત્રાટકી હતી.જેમાં અકાળે મોતને ભેટેલા બ્યુટીશયન સંગીતાબેન હજુ તો પોતાની નોકરી પર પહોંચે તે પહેલાં જ કાળનો કોળિયો બની ગયા.મૂળ નેપાળી સંગીતાબેન ચૌધરી ઉ.વ.40 ગઈકાલે સવારે ઇન્દિરા સર્કલ પાસે આવેલા આકૃતિ બ્યુટી સલૂનમાં બ્યુટીશયન તરીકે જોબ કરતાં હતાં આથી તેઓ ત્યાં જઈ રહ્યા હતાં અને આ દુર્ઘટના ઘટી હતી. પોતાના કામ પર પહોંચે તે પહેલા જ કાળનો કોળિયો બની ગયેલા સંગીતાબેનના પતિ ઘણા સમય પહેલા ગુજરી ગયા હોવાથી અહીં રાજકોટ આવી નોકરી કરતાં હતાં.
તેઓ આકૃતિ બ્યુટી સલૂનમાં હજુ જાન્યુઆરી મહિનામાં જ જોબ માટે જોડાયા હતા. કાલાવડ રોડ પર આવેલા ઇવસ સલૂનમાં કામ કરતા હતા, આથી ત્યાં જ તેઓ રૂમ રાખીને રહેતાં હતાં.તેમને સ્કૂટર આવડતું ન હોવાથી ધર્મનાં બનાવેલાં ભાઈ સુરેશભાઈ દરરોજ મુકવા જતાં અને સાંજે બ્યુટી સલૂનનો સ્ટાફ તેમને પોતાના રૂમ સુધી મૂકી આવતા.
આ તેમનો રોજિદો ક્રમ હતો.આ સમાચાર મળતાં જ તેમની સાથે કામ કરતાં કર્મચારીઓ અને રાજકોટ રહેતાં ભાઈ-ભાભી શોકમાં ગરકાવ થઈ ગયાં હતાં. સહકર્મચારીઓએ કહ્યું હતું કે, થોડા સમયથી તેમની સાથે કામ કરતાં હતાં પણ પરિવારનાં સભ્યની જેમ હળીભળી ગયા હતા.તેઓ સારા સ્કિન સ્પેશિયાલિસ્ટ હોવાથી સ્કીન ટ્રીટમેન્ટનું કામ તેઓ સંભાળતા હતાં.