રાજકોટ શહેર ભાજપની નવી ટીમ ‘કવર’માં પેક : 10 નવેમ્બર બાદ નવી ટીમની જાહેર થવાની શક્યતા, જાણો કેટલા હોદ્દેદારોની હશે ટીમ
રાજકોટ સહિત આખા ગુજરાતમાં શહેર-જિલ્લા ભાજપની નવી ટીમની રચનાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે જે સિલસિલામાં બુધવારે રાજકોટ શહેર ભાજપની નવી ટીમ માટે પણ નિરીક્ષકો રાજકોટ આવી પહોંચ્યા હતા. કમલમ્ કાર્યાલય ખાતે નિરીક્ષકો તેમજ અપેક્ષિત વચ્ચે ત્રણેક કલાક સુધી બેઠક ચાલ્યા બાદ બંધ કવરમાં બન્ને નિરીક્ષકો રવાના થયા હતા. એકંદરે શહેર ભાજપની નવી ટીમ `કવર’માં પેક થયા બાદ હવે દસ નવેમ્બર આસપાસ કવર ખુલવાની શક્યતા વર્તુળોએ વ્યક્ત કરી હતી.

શહેર ભાજપની નવી ટીમની રચના માટે પ્રદેશ નિરીક્ષક તરીકે બિજલબેન પટેલ અને ભરતસિંહ પરમાર રાજકોટ આવી પહોંચ્યા હતા અને અહીં શહેર ભાજપની સંકલન સમિતિમાં સામેલ ધારાસભ્યો, સાંસદો, શહેર ભાજપના હાલના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, પૂર્વ મંત્રીઓ સહિતનાને સાંભળ્યા હતા. જાણવા મળ્યા પ્રમાણે સંકલન સમિતિમાં સામેલ કોઈ નેતાએ નવી ટીમમાં પોતાના ટેકેદારને સામેલ કરવા માટે પાંચ મિનિટ સુધી તો કોઈ નેતાએ પંદર મિનિટ સુધી લોબિંગ કર્યું હતું મતલબ કે નિરીક્ષકોને રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : તમે બોલ ખિસ્સામાં કેમ રાખ્યો,તેનું કારણ શું હતું? વર્લ્ડકપ જીત્યા બાદ PM મોદીએ કેપ્ટન હરમનપ્રીત સહિત ખેલાડીઓ સાથે કરી આ વાતચીત

એવી વિગત પણ જાણવા મળી હતી કે આ વખતની નવી ટીમ 21 હોદ્દેદારોની હશે જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી, ખજાનચી સહિતના સમાવિષ્ટ હતી. દરેક હોદ્દા માટે ત્રણ-ત્રણ નામની પેનલ બંધ કવરમાં લઈ નિરીક્ષકો રાજકોટથી રવાના થયા હતા. ખાસ વાત એ રહી કે આ બેઠકમાં જૂના જોગીઓ અરવિંદ રૈયાણી, ઉમેશ રાજ્યગુરૂ, ગોવિંદભાઈ પટેલ સહિતના પણ હાજર રહ્યા હતા અને નિરીક્ષકોએ તેમની સાથે પણ નવી ટીમે અંગે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો : દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત : પંતની વાપસી, શમીને ફરી ન મળ્યું સ્થાન,જાણો ટીમમાં કયા ફેરફાર કરાયા

સૂત્રોએ એમ પણ ઉમેર્યું હતું કે મહામંત્રી તરીકે એકાદ નામ રિપિટ થવાની શક્યતા છે પરંતુ એવું લાગી રહ્યું નથી. પ્રદેશ ભાજપ દ્વારા આખી ટીમ નવી બનાવવામાં આવી શકે છે. હાલના પ્રમુખ ડૉ.માધવ દવે અગાઉ મહામંત્રી તરીકે કાર્યરત હતા પરંતુ હવે તેઓ પ્રમુખ બની જતા તેમના સ્થાને નવું નામ આવશે. આ ઉપરાંત અન્ય બે મહામંત્રી તરીકે પણ નવા નામ સામે આવે તેવી શક્યતા હાલ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત ઉપપ્રમુખ સહિતના હોદ્દા માટે પણ ભારે રજૂઆત થઈ હોવાનું બેઠકમાં હાજર લોકોએ જણાવ્યું હતું. હવે દસ નવેમ્બર બાદ નવી ટીમની રચના થશે ત્યારે તેમાં કોનું વજન પડ્યું હશે અને કોનું ચાલ્યું નહીં હોય તેનો ખ્યાલ આવી જશે.
