રાજકોટ બસકાંડ : અકસ્માત શું કામ થાય એ બધાને ખબર છતાં એ કહેવામાં નિષ્ણાતો 3 મહિના કાઢશે
રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે બુધવારે બનેલી ગોઝારી દુર્ઘટના શા માટે થઇ અને આવી દુર્ઘટનાઓ વારંવાર શા માટે થાય છે તે બધા જાણે છે આમ છતાં મહાપાલિકાએ એક ફેક્ટ ફાઈન્ડીંગ કમિટી બનાવીને આખી તપાસ ગોટે ચડાવી દેવાનો કારસો કર્યો છે. મોટા મોટા 11 અધિકારીઓની બનેલી આ કમિટી આ દુર્ઘટનાના કારણો શોધશે અને ભવિષ્યમાં આવુ ન થાય તેના સૂચનો પણ કરશે. આટલુ કરવા માટે તેમને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
આ ફેકટ ફાઈન્ડીંગ કમિટીમાં મહાપાલિકાનાં ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાનાં ડેપ્યુટી કમિશનરને અધ્યક્ષ બનાવાયા છે. જયારે રાજકોટ રાજપથ લી. નાં જનરલ મેનેજરને સહ અધ્યક્ષ બનાવાયા છે. કંપનીનાં જ મેનેજરને સભ્ય સચિવ બનાવાયા છે. આ સિવાય સભ્ય તરીકે રોશની શાખાના સિટી ઈજનેર, મીકેનીકલ વર્કશોપ શાખાના સિટી ઈજનેર, પોલીસ ખાતાના એ.સી.પી. વેસ્ટ, આર.ટી.ઓ અધિકારી, સેપ્ટ યુનિવર્સીટીનાં ટેકનીકલ એક્સપર્ટ, SVNIT, જી.ઈ.સી. અને આઈ.આર.ક્લાસનાં ટેકનીકલ એક્સપર્ટને સભ્ય બનાવાયા છે.
મહાપાલિકાના કમિશ્નરે કરેલા આદેશમાં જણાવાયું છે કે, આ કમિટી બધા જ પાસાઓને આવરી લઈને પ્રાથમિક અહેવાલ એક મહિનામાં અને વિસ્તૃત અહેવાલ 3 મહિનામાં રજૂ કરશે.
આવી કમિટીમાં નાગરિકોને લેવા જોઈએ
ખરેખર તો મહાપાલિકા એ આવી ફેકટ ફાઈન્ડીંગ કમિટી રચવી હોય તો તેમાં રાજકોટ ટ્રાફિકની સમસ્યાની નસેનસ જાણતા હોય તેવા બેચાર નાગરિકોનો પણ સમાવેશ કરવો જોઈએ. અત્યારે જે અધિકારીઓને લીધા છે તે બધા ચેમ્બરમાં બેઠા બેઠા સૂચનો વિચારશે અને પછી અમલ ન થઇ શકે તેવા સૂચનો કરીને છૂટી જશે. જો કોઈ નાગરિકોનો સમાવેશ આ કમિટીમાં થાય તો ગ્રાઉન્ડ લેવલની સમસ્યાની ખબર પડે..
