રાજકોટ :ભ્રષ્ટ સાગઠિયાએ બંગલામાં ખડકેલા ગેરકાયદે બાંધકામ પર ફરશે બૂલડોઝર
- આકાશવાણી ચોક પાસે અનામિકા સોસાયટીમાં સિક્યુરિટી રૂમ બનાવ્યો’તો: એક સપ્તાહ બાદ તોડી પડાશે
વોઈસ ઓફ ડે, રાજકોટ
ભ્રષ્ટાચાર આચરીને કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ એકઠી કરનાર રાજકોટ મહાપાલિકાના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાના પાપનો ઘડો ભરાઈ જતાં આખરે તેણે અત્યારે જેલના સળિયા પાછળ રહીને સજા ભોગવવી પડી રહી છે. સાગઠિયા ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડનો મુખ્ય આરોપી હોય તેને જેલમાં ધકેલાયો છે. શહેરમાં નાનું અમથું ગેરકાયદે બાંધકામ થાય એટલે તેને નોટિસ-ડિમોલિશનના નામે દબડાવીને ભ્રષ્ટાચાર આચરનારા સાગઠિયાએ પોતાના જ બંગલામાં ગેરકાયદે બાંધકામ ખડકી દીધાનું ધ્યાન પર આવતાં હવે તેના ઉપર બૂલડોઝર ફેરવી દેવાની તૈયારી કરી લેવામાં આવી છે.
શહેરના વોર્ડ નં.૯માં આકાશવાણી ચોક પાસે અનામિકા સોસાયટી આવેલી છે જ્યાં સાગઠિયા દ્વારા વિશાળ બંગલો બનાવવામાં આવ્યો છે. આમ તો આ બંગલો સાગઠિયાના પરિવારના નામે છે પરંતુ બંગલામાં સિક્યુરિટી રૂમ સહિતનું ગેરકાયદેસર બનાવવામાં આવ્યું હોવાથી મહાપાલિકાની ટીપી શાખા દ્વારા તેને કલમ ૨૬૦(૧) મુજબ નોટિસ ફટકારવામાં આવી છે.
આ નોટિસની મર્યાદા એક સપ્તાહનું હોય છે ત્યારે એક સપ્તાહ સુધીમાં જો દબાણ તોડી પાડવામાં નહીં આવે તો મહાપાલિકાનું બૂલડોઝર ત્રાટકીને ગેરકાયદેસર બાંધકામને તોડી પાડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાગઠિયાના એક બાદ એક પરાક્રમ સામે આવી રહ્યા છે ત્યારે તેની દરેક મિલકતની તપાસ કરવામાં આવે તો ત્યાં ગેરકાયદેસર બાંધકામ જોવા મળશે જ તેમાં શંકાને કોઈ સ્થાન નહીં હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.