રાજકોટની એનિમલ હોસ્ટેલ એટલે ‘કતલખાનું’ : પાંચ મિનિટ ઉભા ન રહી શકાય તેવી ગંદકી
રાજકોટની મવડી, રેલનગર સહિતની એનિમલ હોસ્ટેલની હાલત બદથી બદતર હોવાના અહેવાલો પ્રસિદ્ધ થતાં જ કોંગ્રેસ ના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ દોડી જઈ એનિમલ હોસ્ટેલની હાલત કેવી ખરાબ છે તેના દૃશ્યો બતાવ્યા હતા સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે રાજકોટની એનિમલ હોસ્ટેલ એટલે ગાયનું `કતલખાનું’ હોય તેવી રીતે અહીં ગાય-ભેંસ ટપોટપ મોતને ભેટી રહી છે. અહીં પાંચ મિનિટ પણ ઉભા ન રહી શકાય તેવી ગંદકી વચ્ચે ગાય-ભેંસને રાખવામાં આવી છે. જો કે ભાજપને ચૂંટણી આવે તે ત્યારે જ ગાય યાદ આવતી હોય તેવી રીતે મેદાને ઉતરે છે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપ કોણ અને ગાય કોણ જેવું કરવા લાગતી હોવાના ચાબખાં માર્યા હતા.

આ પણ વાંચો : પાણીવેરો ભરવાનો, ટેન્કરથી પાણી પણ મંગાવવાનું : રાજકોટના 258 બિલ્ડિંગના લોકોને ત્રાસ
મેવાણીએ એવો આક્ષેપ પણ કર્યો કે એક સમયે રાજકોટમાં દોઢ લાખથી વધુ ગાય હતી પરંતુ અત્યારે પંદર હજાર ગાય પણ બચી નથી. આ પાછળ ભાજપના શાસકો જ જવાબદાર છે. ભાજપ ગાયમાતાના નામે રાજકોટથી લઈ દિલ્હી સુધી રાજકારણ કરે છે પરંતુ આખરે આ ગાયની હાલત કેવી છે તેની ચિંતા કરતો નથી. અત્યારે રેલનગર એનિમલ હોસ્ટેલમાં અનેક ગાય લમ્પી બીમારીથી પીડાઈ રહી હોવા છતાં કોઈ જ સારવાર કરાઈ રહી નથી. ટૂંક સમયમાં જ માલધારીઓને સાથે રાખી કોંગ્રેસ દ્વારા આ મુદ્દે આંદોલન કરવામાં આવશે.