રેન્કિંગ માટે પણ રાજકોટ એરપોર્ટનું 3 લાખનું આંધણ : છતાં પણ અસુવિધાઓની હારમાળા, એન્ટ્રીમાં શ્વાનો કરે છે સ્વાગત
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યાત્રી સેવા દિવસની ધામધૂમથી ઉજવણી વચ્ચે અનેક અસુવિધાઓની હારમાળા વચ્ચે રૂ.3 લાખના ખર્ચે રેન્કિંગ મેળવવા એરપોર્ટ તંત્રએ દોટ મૂકી છે.ઉજવણીનાં તાયફાઓ વચ્ચે લાખો રૂપિયાનું આંધણ કરી નાખ્યું છે.
રાજકોટ સહિત દેશભરનાં એરપોર્ટમાં યાત્રી સેવા દિવસની ઉજવણી મર્યાદિત બજેટ સાથે કરવામાં આવી હતી.જ્યારે ઓથોરિટીએ આ ઉજવણીમાં રૂ 3 લાખનો ધુમાડો કર્યો છે.પી.એમ.મોદીનો ડ્રિમ પ્રોજેકટ એટલે રાજકોટનું ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ,હજુ સુધી એટલે 3 વર્ષ બાદ પણ સમ ખાવા પૂરતી ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ થઈ નથી તો અગાઉ થોડા મહિના પહેલાં મેડિકલ ઇમરજન્સી માટે આવેલી ઇન્ટરનેશનલ ફલાઇટનું સંચાલન કરવામાં પણ એરપોર્ટ તંત્ર ઉણું ઉતર્યું હતું ને હોબાળો મચી ગયો હતો.

વડાપ્રધાનનાં સ્વપ્ન સમાં પ્રોજેકટ પર જાણે પાણી ફરી વળ્યું હોય તેમ કરોડોનાં ખર્ચે બનેલા ટર્મિનલ બિલ્ડિંગમાંથી “પાણી ટપકયાં” હોવાની ઘટના સામે આવી હતી,કન્વેયર બેલ્ટ પર પાણી વહે છે તો વોશરૂમમાં વારેવારે “પાણી” ન હોવાની ફરીયાદો ઉઠે છે, તો યાત્રી સેવા દિવસે જ એન્ટ્રી થતાં શ્વાનો પેસેન્જરોનું સ્વાગત કરતાં નજરે પડે છે, પોરબંદર, મુંબઈ એરપોર્ટએ કરકસર કરી યાત્રી સેવા દિવસ ઉજવ્યો ત્યારે રાજકોટ એરપોર્ટ પર “આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા” જેવો તાલ સામે આવ્યો જે રેન્કિંગ માટે મુંબઈથી પાંચ ગણા નાણાં ખર્ચી નાંખ્યા હોવાનું જાણવા મળ્યું છે.જો રેન્કિંગ માટે પેસેન્જરોને સુવિધા મળે એ જરૂરી છે.

કસરત કરવી છે..? તો ટર્મિનલ પહોંચી જાવ
એક એસકેલેટર શરૂ થાય ને બીજું બંધ થાય તેવા દ્રશ્યો રાજકોટ એરપોર્ટ ઉપર જોવા મળ્યાં હતાં.યાત્રી સેવા દિવસે જ યાત્રીઓને ફલાઈટમાં જવા માટે સીડી ચડીને જવું પડતું હતું કારણ કે ત્યાં એસકેલેટર બંધ હતું.અગાઉ પર આ અંગેના સમાચાર પ્રસિદ્ધ થયા છે ત્યારે ઉજવણીમાં મસ્ત થયેલાં એરપોર્ટ તંત્રને એસકેલેટર રીપેરીંગની પરવા નથી.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપે તો ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ કરી દેવા એરલાઇન્સ સજ્જ
એરપોર્ટ ઓથોરિટીએ એવો ખુલાસો આપ્યો કે,એરલાઇન્સને રાજકોટથી ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ કરવામાં રસ નથી.જ્યારે આ બાબતે એરલાઇન્સની ટીમે કહ્યું હતું કે,અમે રેડી છીએ ઇન્ટરનેશનલ ફલાઇટની ઉડાન શરૂ કરવા પણ આંતરરાષ્ટ્રીય ફલાઇટ માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ અહીં ક્યાં છે..? કસ્ટમ માટેની પ્રક્રિયા પુરી થઈ છે પણ ઇમિગ્રેશનની કામગીરી પુરી થઈ નથી.
