1400 કરોડનાં ખર્ચે બનેલાં રાજકોટ એરપોર્ટ પર બે દિવસથી ‘પાણી’ની કટોકટી: પેસેન્જરોએ ‘હંગામો’મચાવ્યો
1400 કરોડના ખર્ચે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની “શાન”ફરીથી શરમજનક સ્થિતિમાં મુકાય છે,બે દિવસથી ટર્મિનલમાં ફરીથી પાણી ખલાસ થઈ જતાં ભારે પરેશાની વચ્ચે પેસેન્જરોએ “નપાણિયા તંત્ર”ને પાણી બતાવતાં હંગામો મચી ગયો હતો.એક તબક્કે ઓથોરિટીનાં ઉચ્ચ અધિકારીઓને દોડીને આવું પડ્યું હતું. પાણી બે દિવસથી મળતું ન હોવાથી પેસેન્જરોએ ભારે બબાલ કરી હતી.પીવાના પાણી સાથે વોશરૂમમાં પણ પાણી ખલાસ થઈ જતા ભારે હેરાનગતિ લોકોને પડી રહી છે.એક મહિનામાં ત્રીજી-ચોથી વાર પાણી પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો.જેનું કારણ શોધી હજુ ઉકેલ લાવવામાં એરપોર્ટ ઓથીરિટી નિષ્ફળ રહી છે.
આ પણ વાંચો : આવતીકાલે શિક્ષણનાં પ્રશ્ને ગાંધીનગરમાં બેઠક: કર્મચારીઓ પર થતા હુમલા,પ્રિ-સ્કૂલોની નોંધણી સહિતના 33 મુદ્દાઓ ઉપર થશે ચર્ચા
મહત્વનું છે કે, છેલ્લા એક મહિનામાં આ ચોથી વખત છે જ્યારે પાણીનો પુરવઠો ઠપ્પ થયો છે. હીરાસર જેવો ઉચ્ચસ્તરીય અને નવા નિર્મિત ઈન્ટરનેશનલ ટર્મિનલ આવા મૂળભૂત સુવિધાના અભાવે અનેક પ્રશ્નો ઊભા કરે છે.એરપોર્ટ ઓથોરિટીએ અત્યાર સુધી પાણી બંધ થવાનું કારણ પણ સ્પષ્ટ નથી કરી શક્યું. રિઝર્વ ટાંકીઓ ખાલી થવી..? લાઇનમાં ટેકનિકલ ફોલ્ટ કે બેકએન્ડ સપ્લાય ડિસ્ટર્બન્સ..? જેવા કારણોની ચર્ચા છે,જો કે હજુ સુધી કોઈ કારણની સ્પષ્ટતા નથી કરાઈ.

1400 કરોડના ખર્ચે સર્જાયેલ આ ભવ્ય અને આધુનિક હવાઈમથક પર છેલ્લા બે દિવસથી પીવાનું પાણી તથા વોશરૂમની સુવિધા બંધ છે.ગઈકાલે પેસેન્જરોએ ગુસ્સાથી ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો અને એરપોર્ટ ઓથોરિટી સામે ઘોર અસંતોષ વ્યક્ત કર્યો. “આ છે ઇન્ટરનેશનલ લેવલ?” એવું લોકોને જોરશોરથી પૂછવું પડ્યું.વિશેષ છે કે છેલ્લા એક મહીનામાં આ ચોથી વખત છે જ્યારે પાણી પુરવઠો અચાનક બંધ થઈ જાય છે. છતાં, એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ સ્થાયી ઉકેલ લેવામાં આવ્યો નથી. માત્ર ભવ્ય ઇમારત ઉભી કરીને સેવા વિહોણું હોવું એ વ્યંગ બની ગયું છે.

પેસેન્જરો કહે છે – “આ તો પીડાનું પેસેન્જર લોંન્જ છે!”
એરપોર્ટ પર મહિલાઓ, વડીલ અને બાળકો વોશરૂમના ઉપયોગ વગર અસહાય રહી ગયા. બોટલ ભરવાનું તો દુર, હાથ ધોવા માટે પણ એક ટીપું નળમાંથી મળતું નથી. પેસેન્જરોની વાત હોય કે એરલાઇન સ્ટાફ – દરેક જણ આ વ્યવસ્થાપનથી અકળાય ગયો છે.
આ પણ વાંચો : રાજકોટ સિટી-રૂરલના બુટલેગરો વચ્ચે ગેંગવોર ! પોલીસની મીઠી નજર કે અજાણ? જાણો શું છે સમગ્ર મામલો
વોશરૂમમાં ફ્લશ નહિ થાય ફલાઈટમાં જતાં રહેજો..આવા જવાબ મળતાં પેસેન્જરો ધુંઆપુવા
સવારે મુંબઈની ફલાઇટમાં જનારાં પેસેન્જરોએ ફરિયાદ કરી હતી કે,ટર્મિનલ તો આલીશાન બનાવી નાખ્યું છે પણ ખાટલે મોટી ખોટ કે વોશરૂમમાં પાણી ન હતું.અમે કેન્ટીનમાંથી પાણીની બોટલ ખરીદીને વોશરૂમ ગયા હતાં તો ત્યાંનો ચોકીપહેરો કરનાર સ્ટાફે અમને અંદર ન જવા દીધા ને કહ્યું કે,પાણીની બોટલ ભલે તમે લઈ આવ્યાં પણ ફ્લશ નથી થતું તો કેવી રીતે જવા દઈએ, ફલાઈટમાં જતાં રહેજો ત્યાં પાણી આવશે….!!