રાજકોટ : 20 દિ’, ૮ વૃદ્ધા, ૫ ચેઈન: ‘ખતરનાક’ સમડી દબોચાઈ, ત્રણ દિ’ના ઉજાગરા બાદ બે લૂંટારુંને પકડી પાડતી ડીસીબી
રાજકોટમાં છેલ્લા ૨૦ દિવસથી અલગ-અલગ વિસ્તારોમાં `સમડી’ મતલબ કે બે લૂંટારુંનો આતંક એટલી હદે વધી ગયો હતો કે ગળામાં સોનાનો ચેઈન પહેરીને બહાર નીકળવાથી ડરવા લાગી હતી ! ખાસ કરીને વૃદ્ધાઓ માટે તો આ સમડી ત્રાસ બની જવા પામી હતી. આ સમડીએ ૨૦ દિવસની અંદર આઠ વૃદ્ધાને નિશાન બનાવી પાંચ ચેઈન અને એક સોનાના ટુકડાની ચીલઝડપ કરતાં પોલીસે તેને પકડવા માટે રાત-દિવસ એક કર્યા હતા. આખરે ડીસીબીને સફળતા મળી હતી અને લૂંટમાં ગયેલા તમામ મુદ્દામાલ સાથે આ ખતરનાક સમડીને દબોચી લઈ એક સાથે આઠ લૂંટના ભેદ ઉકેલી નાખ્યા હતા.
ડીસીબી પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.કે.મોવલિયા, વી.ડી.ડોડિયા સહિતની ટીમે સુનિલ ઉર્ફે આર્યા ભાવેશભાઈ શીયાળ (ઉ.વ.૨૧, રહે.લોહાનગર) અને તેના લાવારિસ સાગરિત જીતેશ ઉર્ફે જીની નરેશભાઈ દુધરેજીયાને ત્રણ સોનાના ચેઈન, એક સોનાની માળ, સોનાના ચેઈનનો એક ટુકડો ઉપરાંત લૂંટમાં વાપરેલું બાઈક, ફોન સહિત ૪,૫૨,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.
આ બન્નેએ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં બે, ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી પોલીસ મથક) વિસ્તારમાં ત્રણ ઉપરાંત એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં સામેલ રાકૃષ્ણનગર વેસ્ટમાં ૨૦ દિવસ પહેલાં સ્કૂટર પર જઈ રહેલી મહિલાના ગળામાં ઝોંટ મારી ચેઈનનો ટુકડો, હનુમાન મઢી પાસે ૨૦ દિવસ પહેલાં વૃદ્ધાએ ગળામાં પહેરેલો સોનાનો ચેઈન અને આમ્રપાલી અન્ડરબ્રિજથી એરપોર્ટ ફાટક વચ્ચે ચુડાસમા પ્લોટ પાસે વૃદ્ધાના ગળામાં ઝોંટ મારી સોનાના ચેઈનની ચીલઝડપ કરી હતી.
પકડાયેલા સુનિલ ઉર્ફે આર્યન સામે હત્યાના પ્રયાસ સહિતના સાત ગુના નોંધાયેલા છે સાથે સાથે તે પાસાની હવા પણ ખાઈ ચૂક્યો છે જ્યારે તેના સાગ્રીત જીતેશ ઉર્ફે જીની સામે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે.
પત્નીની સારવાર માટે એક બાદ એક લૂંટ કર્યાનું રટણ !
પોલીસે ચીલઝડપ કરવામાં માહેર સુનિલ ઉર્ફે આર્યાની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે એવું રટણ કર્યું હતું કે તેની પત્નીની સારવાર માટે પૈસાની જરૂર હોવાથી તેણે એક બાદ એક લૂંટ કરી હતી. જો કે લૂંટનો માલ વેચવા જાય અને રોકડી કરે તે પૂર્વે જ ડીસીબીએ સુનિલ અને તેનો સાગ્રીત કે જે વર્ષોથી સુનિલના આશરે પડ્યો-પાથર્યો રહેતો હતો તે બન્નેને પકડી પાડ્યા હતા.
લૂંટ કરવા જાય એટલે નંબરપ્લેટ કાઢી નાખતાં, કામ પતે એટલે ફરી લગાવી દેતાં
તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે સુનિલ અને જીતેશ લૂંટ કરવા જાય એટલે જીજે૩કેઆર-૪૩૬૮ નંબરનું બાઈક જે સુનિલનું છે તેમાંથી નંબરપ્લેટ કાઢી નાખતા હતા અને લૂંટ થઈ જાય એટલે ફરી નંબરપ્લેટ લગાવી દેતાં હતા જેથી કોઈને બન્ને ઉપર શંકા ન જાય.
રાજકોટના ૭૦% સીસીટીવી બંધ: પોલીસના પગે પાણી ઉતરી ગયા !
કોઈ પણ ગુનો બને એટલે તેના ઉકેલ માટે શહેરના અલગ-અલગ વિસ્તારમાં લગાવાયેલા સીસીટીવી કારગત નિવડતા હોવાનું અનેક વખત બની ચૂક્યું છે પરંતુ અત્યારે કોઈને કોઈ કારણસર શહેરના ૭૦% સીસીટીવી બંધ હોવાને કારણે આ સમડીને પકડવામાં પોલીસના પગે પાણી ઉતરી ગયા હતા !