રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ: રાજકોટમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે પડધરીમાં 2 કલાકમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યમાં ફરી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે, ખાસ કરીને પાંચ-પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે સુરેન્દ્રનગરમાં તેમજ આવતીકાલે કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી અને બોટાદ માટે આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ શુક્રવારે સાંજ સુધીમાં રાજ્યમા 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ અરવલ્લીમાં વરસ્યો હતો.
રાજ્યમાં મેઘરાજાની જમાવટ
હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. શનિવારે સવારના 6થી 10 વાગ્યા સુધામાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 2.52 ઈંચ તો સૌથી ઓછો છોટા ઉદેપુરના સંખેડામાં 1 મિમી વરસાદ નોંધાયો છે. વાત કરીએ રાજકોટની તો હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેના પગલે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં બે કલાકમાં સવા બે ઇંચ ટો રાજકોટમાં અડધો ઇંચ ખાબક્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો સરેરાશ 34.32 ઈંચ એટલે કે, 98.85 ટકા વરસાદ વરસી ગયો છે.
આ પણ વાંચો :GST સ્લેબમાં ફેરફારથી થશે ફાયદો : સાડી, શર્ટ, જીન્સ અને શૂઝ,કપડાંની ખરીદી પર GST ઘટાડાથી આટલા પૈસાની થશે બચત
રાજકોટમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેમાં ગુરુવારે પશ્ચિમ મધ્યપ્રદેશના મધ્ય ભાગો પરનો લો-પ્રેશર વિસ્તાર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યો છે અને ચક્રવાતી વાવાઝોડું સમુદ્ર સપાટીથી 7.6 કિમી ઉપર ફેલાયેલું છે.તા.7 સપ્ટેમ્બર સવાર સુધીમાં પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં ફરવાઈ જવાની સંભાવના છે. સાથે જ અરબી સમુદ્રમાં પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે, હવાનું ચક્રવાત સર્જાયું છે જે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર સારો વરસાદ લાવશે.
વરસાદી સિસ્ટમને પગલે આજે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી માટે રેડ એલર્ટ તેમજ રાજકોટ મોરબી, બોટાદ, ગાંધીનગર, પાટણ, ખેડા સહિતના જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા માટે રેડ એલર્ટ તેમજ મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને ગાંધીનગર સહિતના જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
6 સપ્ટેમ્બર હવામાન વિભાગની આગાહી
- રેડ ઍલર્ટઃ સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર
- ઑરેન્જ ઍલર્ટઃ રાજકોટ, મોરબી, બોટાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ.
- યલો ઍલર્ટઃ બાકીના તમામ જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે.
દરમિયાન શુક્રવારે પણ મેઘરાજાએ રાજ્યના 198 તાલુકામાં મેઘમહેર કરી હતી.
ગઈકાલે કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો તે જાણો…
- ડોલવણ: 6.46 ઇંચ
- બારડોલી: 5.31 ઇંચ
- વાલોડ: 5.00 ઇંચ
- લુણાવાડા: 4.45 ઇંચ
- કડાણા: 4.41 ઇંચ
- સોનગઢ: 4.37 ઇંચ
- ધનસુરા: 4.37 ઇંચ
- ગણદેવી: 4.21 ઇંચ
- ખેરગામ: 4.09 ઇંચ
