રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત : આવતીકાલે મોડાસામાં બેઠકમાં આપશે હાજરી,2027ની ચૂંટણી પર ફોકસ
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીતા. ૧૫ને મંગળવારે ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આ પ્રવાસ દરમિયાન મોડાસામાં યોજાયેલી એક બેઠકમાં હાજરી આપશે. આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફારો અંગે વિચારવિમર્શ થશે. તેઓ રાજ્યના 34 જિલ્લાઓ અને 8 મહાનગરોમાં રાષ્ટ્રીય અને ગુજરાતના નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપશે.
સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, રાહુલ ગાંધી દરેક જિલ્લા અને શહેરમાં પાંચ જેટલા નેતાઓને કામની સોંપણી કરશે. આ ટીમમાં એક રાષ્ટ્રીય નિરીક્ષક અને ચાર ગુજરાતના નિરીક્ષકોનો સમાવેશ થશે. આ નિરીક્ષકોને માત્ર જિલ્લા અને શહેરના પ્રમુખોની પસંદગીની જવાબદારી જ નહીં સોંપવામાં આવશે, પરંતુ તેઓએ ૨૦૨૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સુધી તે જિલ્લા કે શહેરની સંગઠનાત્મક જવાબદારી નિભાવવાની રહેશે. આ મહત્વપૂર્ણ કામગીરી માટે નિમાયેલા રાષ્ટ્રીય અને ગુજરાતના નિરીક્ષકોને તારીખ ૧૫ અને ૧૬ એપ્રિલે તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં તેઓને તેમની જવાબદારીઓ અને કામ કરવાની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામાં આવશે.
રાહુલ ગાંધીના મોડાસા પ્રવાસ અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જિલ્લા કોંગ્રેસ સમિતિને વધુ મજબૂત બનાવવામાં આવશે. કોંગ્રેસની વર્કિંગ કમિટી દ્વારા આ અંગે મંજૂરી મળ્યા બાદ ગુજરાતથી આ સંગઠનાત્મક અભિયાનની શરૂઆત કરવામાં આવશે. તેમણે આને સંગઠનનો પાયલટ પ્રોજેક્ટ ગણાવ્યો હતો, જેની શરૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે. ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે આ અભિયાનમાં દેશભરના મોટા નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે.
નિરીક્ષકોનું એક વિશેષ પંચ દરેક જિલ્લામાં જશે અને યોગ્ય વ્યક્તિને યોગ્ય જવાબદારી સોંપશે, જેથી પાર્ટીને જમીની સ્તરે મજબૂત કરી શકાય. રાહુલ ગાંધી પોતે પણ તારીખ ૧૫ એપ્રિલે નિરીક્ષકો સાથે એક ઓરીએન્ટેશન બેઠકમાં ભાગ લેશે, જેમાં તેઓ નિરીક્ષકોને જરૂરી માર્ગદર્શન આપશે. ત્યારબાદ, તારીખ ૧૬ એપ્રિલે રાહુલ ગાંધી સત્તાવાર રીતે આ સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે.
આ ઉપરાંત,16 એપ્રિલના બપોરના સમયે રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે સીધો સંવાદ પણ કરશે, જેમાં તેઓ પાર્ટીના સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરશે અને કાર્યકરોના વિચારો જાણશે. રાહુલ ગાંધીનો આ મોડાસા પ્રવાસ ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે અને તેનાથી પાર્ટીના સંગઠનમાં એક નવો ઉત્સાહ જોવા મળી શકે છે