ઉંઘ-આરામને સાઈડમાં મૂકી રોડ-રસ્તા ચકાચક બનાવો : ફરિયાદ બંધ ન થાય ત્યાં સુધી રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવા મુખ્યમંત્રીનો હુકમ
રાજકોટ સહિત આખા ગુજરાતમાં રસ્તાની હાલત હાડપિંજર જેવી થઈ ગઈ છે ત્યારે તંત્ર દ્વારા અબજો રૂપિયાનો ખર્ચ કરવા છતાં દર વર્ષે એક જ પ્રકારની સ્થિતિ સર્જાઈ જતી હોય ખુદ મુખ્યમંત્રીએ આ મુદ્દાને ગંભીરતાથી લઈ અધિકારીઓ સાથે દૈનિક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરવાનું શરૂ કર્યું છે. મંગળવારે દરેક કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, નાયબ મ્યુનિસિપલ કમિશનર, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, હાઈ-વે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક કરી મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ઉંઘ અને આરામને સાઈડમાં મુકી અત્યારે રોડ-રસ્તાને ચકાચક બનાવવા માટે જ દરેક અધિકારીએ ધ્યાન આપવાનું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક સપ્તાહ પહેલાં પણ દરેક મહાપાલિકાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી હતી અને તેમાં દર વર્ષે ચોમાસામાં એક જ સ્થળે ખાડા કેમ પડી જાય છે તે સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. આ બેઠકના ત્રીજા અથવા ચોથા દિવસે મહાપાલિકા દ્વારા ખાડા બૂરવા, રોડ-રસ્તા બાબતે શું કામગીરી કરી તેનો રિપોર્ટ પણ આપ્યો હતો. હવે મંગળવારે ફરી બેઠક કરી અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાયું હતું કે જ્યાં સુધી રોડ-રસ્તા ચકાચક ન બને ત્યાં સુધી દરેક અધિકારી-કર્મચારીએ ઉંઘ અને આરામને નેવે મુકી દેવાના છે.

એકંદરે ખાડા કે રોડ-રસ્તા મુદ્દે લોકોની ફરિયાદ આવવાનું બંધ ન થાય ત્યાં સુધી રાઉન્ડ ધ ક્લોક કામગીરી ચાલું રાખવા આદેશ આપવામાં આવ્યો હતો. બીજી બાજુ અત્યારે વરસાદે વિરામ લીધો છે તો એ ગાળામાં કેટલી અને કેવા પ્રકારની કામગીરી રોડ-રસ્તાને લઈને કરવામાં આવી તેનો `હિસાબ’ પણ મુખ્યમંત્રીએ માંગ્યો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં કાળમુખા ડમ્પરે વિદ્યાર્થીનીનો ભોગ લીધો : હનુમાન મઢી ચોક નજીક બની ઘટના, દીકરીના પરિજનોનું હૈયાફાટ રુદન
નબળા રોડ બનાવનાર ત્રણ કોન્ટ્રાક્ટરને નોટિસ
એક બાજુ તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને રોડ-રસ્તા બનાવવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સી દ્વારા નબળું મટિરિયલ વાપરવામાં આવતું હોવાને કારણે સમય પહેલાં જ રોડ-રસ્તા તૂટી જતાં હોય આ દિશામાં પણ ગંભીર બની કામગીરી કરવા મુખ્યમંત્રીનો આદેશ છૂટતાં જ જામનગર, ભાવનગર અને જૂનાગઢ મહાપાલિકા દ્વારા ત્રણ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી હતી. આ કોન્ટ્રાક્ટર દ્વારા જામનગરની કામદાર કોલોની મેઈન રોડ, જનતા ફાટકથી એમ્યુઝમેન્ટ પાર્ક થઈ 1404 આવાસ સુધીનો રોડ અને એમ્યુઝમેન્ટ પાર્કથી સત્યમ કોલોની સુધીના રોડમાં નિયમ પ્રમાણે કામગીરી કરવામાં આવી ન્હોતી. આ ઉપરાંત જૂનાગઢના વોર્ડ નં.1થી 15માં સમયસર પેચવર્ક સહિતનું કામ શરૂ ન થતાં કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારાઈ હતી.