સુરતમાં સગીરના વાળ ખેંચનાર પીએસઆઇનો ઇજાફો અટકાવી દેવાયો
પીએમના રિહર્સલ વખતે મોરબીના પીએસઆઇએ બી.કે.ગઢવીએ ખાખીને દાગ લગાવ્યો
રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન સુરત ખાતે પીએમના રિહર્સલ દરમિયાન મોરબીના પીએસઆઇએ કોન્વેયમાં વચ્ચે ઘુસી ગયેલા સગીરને વાળ પકડી મુક્કા મારતા સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગૃહવિભાગે ખાખીને દાગ લગાવનાર પીએસઆઇનો એક વર્ષનો ઇજાફો અટકાવી દીધો હોવાનું મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીના કાર્યક્રમ પૂર્વે ખાખી રિહર્સલ દરમિયાન એક બાળક ભૂલથી સાયકલ લઇને રોડ આવી ચડતા ફરજ ઉપર રહેલા પોલીસ કર્મીએ બાળકને વાળ પકડીને મુક્કા માર્યા હતા અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાની સાથે જ સામાજિક કાર્યકરે ગૃહવિભાગને ફરિયાદ કરી હતી. દરમિયાન સુરતની આ ઘટનામાં બાળકને માર મારનાર પીએસઆઇ મોરબીના હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, પીએસઆઇ બી.કે.ગઢવી હાલમાં ટ્રેનિંગમાં છે. આ ઘટના બાદ તેમનો એક વર્ષનો ઇજાફો કાપી લેવા આદેશ કરાયો હોવાનું તેમને જણાવ્યું હતું.