રાજકોટની 65 કોલેજમાં રખડતાં શ્વાનને પ્રવેશતા અટકાવશે ‘પ્રોફેસર’! ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા તમામ કોલેજને પરિપત્ર
રાજકોટમાં રખડતાં શ્વાન મુદ્દે નવો પરિપત્ર થતાં જેમાં હવે અધ્યાપકોએ શ્વાનોની માહિતી એકત્ર કરી અને તેની દેખરેખ માટે લીધેલા પગલાંની વિગતો ઉચ્ચ શિક્ષણ કમિશનરને આપવી પડશે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રખડતા શ્વાનોને લગતા મુદ્દાઓ પર રાજ્ય સરકારનું ધ્યાન ખેંચાયું હતું જેને લઇને સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને તલાટી મંત્રીઓને આ જવાબદારી સોંપવામાં આવી હતી
જેના માટે નોડલ અધિકારીની નિમણુંક બાદ હવે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા એક નવો પરિપત્ર કોલેજનાં પ્રિન્સિપાલ અને યુનિવર્સિટીનાં રજિસ્ટ્રારને કરાયો છે.શહેરની કોલેજોમાં રખડતાં શ્વાનો પ્રવેશ ન કરે તે માટે સીધી જવાબદારી કોલેજોના પ્રોફેસરોને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો :લગ્ન ભાગીને થાય કે સહમતિથી થાય, માતા-પિતાની મંજુરી ફરજિયાત કરો : સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના આગેવાનોની માંગણી
રાજકોટની અંદાજે 65 જેટલી સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં દરેક કોલેજમાં એક પ્રોફેસરને ખાસ આ કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પ્રોફેસરોને કોલેજ કેમ્પસમાં રખડતાં કૂતરાઓ પ્રવેશ ન કરે તે માટે જરૂરી પગલાં લેવાનાં રહેશે.આ ઉપરાંત, વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે પણ પ્રોફેસરોને માર્ગદર્શન આપવાનું રહેશે.
આ કામગીરી માત્ર દેખરેખ પૂરતી સીમિત નથી. દરેક નિયુક્ત પ્રોફેસરને આખા દિવસ દરમિયાન કરેલી કામગીરીનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીને મોકલવો પડશે. જેમાં કેમ્પસમાં શ્વાનોની સ્થિતિ, લેવામાં આવેલા પગલાં, વિદ્યાર્થીઓને આપવામાં આવેલી સૂચનાઓ અને જાગૃતિ કાર્યક્રમોની માહિતી સમાવવાની રહેશે.
