ખાનગી વહિવટો વિખાશે! હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ડાયરેક્ટ’ અરજીને નો-એન્ટ્રી, તમામ અરજીની તપાસ કમિશનરના ઓબ્ઝર્વેશન હેઠળ જ થશે
ડીસીબી મતલબ કે ડિટેક્શન ક્રાઈમ બ્રાન્ચ જેનું મુખ્ય કામ ગુનાના ભેદ ઉકેલવા ઉપરાંત કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનું હોય છે. આ બ્રાન્ચ પોલીસ વિભાગમાં એટલી મહત્ત્વની હોય છે કે અહીં ફરજ બજાવવા માટે રીતસરની હોડ લાગે છે. ભૂતકાળમાં બ્રાન્ચમાં કાર્યરત સ્ટાફની બોલબાલા હતી અને તેમના પડ્યા બોલ ઝીલાતા હતા. હજુ પણ આ જ સિસ્ટમ છે પરંતુ અમુક ઘટનાઓને કારણે ક્રાઈમ બ્રાન્ચની છબી ખરડાઈ જતાં સમયાંતરે નિયમમાં ફેરફાર કરવામાં પણ આવ્યા છે ત્યારે અહીં સૌથી વધુ જે નિર્ણય લેવાની જરૂર હતી તે આખરે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હવેથી ક્રાઈમ બ્રાન્ચમાં `ડાયરેક્ટ’ એટલે કે સીધી અરજીને નો-એન્ટ્રી રાખવાનો નિર્ણય અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો :કાળમુખા ડમ્પરે બાળકનો ભોગ લીધો : રાજકોટમાં ડમ્પરે બાઇકને હડફેટે લેતા માસૂમનું મોત, પીએમ રૂમે પરિવારનું આક્રંદ
અત્યાર સુધી અનેક લોકો દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં જઈને અરજી કરવાની જગ્યાએ સીધી ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરવાની તાલાવેલી રહેતી હતી કેમ કે ક્રાઈમ બ્રાન્ચનું નામ પડે એટલે જેના વિરુદ્ધ અરજી થઈ હોય તે આપોઆપ ઢીલો થઈ જતો-જતી હોય છે. વળી, સ્થાનિક પોલીસ મથકમાં અરજી કરે તો ત્યાંના સ્ટાફ દ્વારા જો અરજદાર અજાણ્યું કે અજાણી હોય તો વધુમાં વધુ ગુનો દાખલ કરી શકે અને જો જાણીતા કે જાણીતી હોય તો પોલીસ તરીકે ઉઘરાણીમાં રસ પણ લ્યે. જો કે આ બાબતની શક્યતા બહુ ઓછી હોવાથી ઉઘરાણી સહિતની `કાર્યવાહી’ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કરાવવાનો આગ્રહ રહેતો હતો.
આ પણ વાંચો :રાજકોટમાં માતા બની હત્યારી : દીકરાને બદલે દીકરીનો જન્મ થતાં સગી જનેતાએ જ કરી હત્યા, વાંચો કાળજું કંપાવનારી ઘટના
દરમિયાન અધિકારીઓના ધ્યાન પર એક એવો જે અત્યંત મહત્ત્વનો કહી શકાય તેવો મુદ્દો આવ્યો હતો કે ડીસીબીમાં કાર્યરત ટીમ પૈકીની અમુક ટીમ માત્રને માત્ર અરજી પાછળ જ દોડ્યે રાખતી હોય તેનું મુળ કામ કે જે ડિટેક્શન છે તે જૂજ હતું. આ ઉપરાંત અગાઉના બનાવો પરથી સબક લઈ અરજી સિસ્ટમ જ બંધ કરી દેવી જોઈએ તેવો સર્વમત સધાઈ જતા આખરે ક્રાઈમ બ્રાન્ચમાં ડાયરેક્ટ અરજી લેવાનું બંધ કરવામાં આવ્યું છે અને હવેથી પોલીસ કમિશનર દ્વારા જે અરજી તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચમાં મોકલવામાં આવશે તેના ઉપર જ કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. વળી, ક્રાઈમ બ્રાન્ચના ડોકેટમાં પણ અરજીની નોંધ કરવાનું બંધ કરી દેવાયાનું સૂત્રોએ જણાવ્યું હતું.આ નિર્ણય માત્ર ડીસીબીને જ નહીં બલ્કે આર્થિક ગુના નિવારણ શાખા કે જ્યાં અરજીનું પ્રમાણ વધુ રહેતું હોય છે ત્યાં તેમજ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં પણ લાગુ પડશે. એકંદરે હવે અરજીપ્રથા બંધ થઈ જવાથી અનેકને `તકલીફ’ પડશે તે નિશ્ચિત છે પરંતુ ઉપરી અધિકારીઓનો નિર્ણય હોવાથી સૌએ તેને શિરોમાન્ય રાખવો જ પડશે !! નિર્ણય લેવાયો તે સારો છે પરંતુ કેટલો સમય ચાલશે અથવા તો નિર્ણય બાદ પણ કોઇ ગુમસૂમ બારોબાર કામ ન કરે તેના પર નજર હોવી પણ જરૂરી છે.
હવે તમામ અરજીની તપાસ પોલીસ કમિશનરના ઓબ્ઝર્વેશન હેઠળ જ થશે
ક્રાઈમ બ્રાન્ચમાં અરજીની વિન્ડો જ બંધ કરી દેવામાં આવતા હવે સીધા પોલીસ કમિશનરના ઓબ્ઝર્વેશન હેઠળ જ તમામ અરજીઝની તપાસ તેમજ કઈ, કેવા પ્રકારની અરજી છે ઉપરાંત અરજી ફોરવર્ડ કરાયા બાદ તેનું સ્ટેટસ શું છે તે સહિતની બાબતો હવે અપ ટુ ડેટ રહેશે.
