- તમામ જિલ્લામાં હાઇકોર્ટે જારી કરેલી ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ કરવા તાકીદ કરાઈ
રાજયમાં જમીનો કે મકાનો ગેરકાયદે પચાવી પાડવાના ઈરાદે ચાલતી લેન્ડગ્રેબીંગ પ્રવૃત્તિને ડામવા તેમજ પક્ષકારોને તટસ્થ અને અસરકારક ન્યાય મળે તે માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા બાદ રાજ્યના અગ્રસચિવ મહેસુલ દ્વારા તમામ જિલ્લા કલેકટરોને લેન્ડગ્રેબિંગ કેસ માટે સત્વરે અલાયદા મહેકમની રચના કરવા સૂચના આપી છે.
અમદાવાદના એક કેસમાં નિર્દોષ વૃદ્ધને લેન્ડગ્રેબિંગ કાયદા તળેની કાર્યવાહીમાં ખોટી રીતે જેલમાં ધકેલી દેવાની ઘટના બાદ હાઇકોર્ટેના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે મહત્ત્વની માર્ગદર્શિકા જારી કરી છે. જે મુજબ, હવે જે તે જિલ્લા કલેકટરના વડપણ હેઠળની તપાસ કમીટીએ આ માર્ગદર્શિકાનું નિશંકપણે ચુસ્તતાપૂર્વક પાલન કરવું પડશે. લેન્ડગ્રેબીંગના કેસોમાં તપાસ કમીટી દ્વારા યોગ્ય રીતે તપાસ થતી નહી હોવાની ફરિયાદ હાઇકોર્ટ સમક્ષ આવતાં ચીફ જસ્ટિસની ખંડપીઠે આ મામલે બહુ ગંભીર નોંધ લીધી હતી અને હવે લેન્ડગ્રેબીંગના કેસોને લઇ વિશેષ નિર્દેશો જારી કર્યા છે.
જેમાં હાઇકોર્ટે સૌથી મહત્ત્વની વાત એ કરી છે કે, કોઈપણ કેસની તપાસ કે નિર્ણય વખતે કમીટી અને ઓથોરીટીએ સંબંધિત પક્ષકારો દ્વારા રજૂ થયેલા તમામ દસ્તાવેજો અને રેવન્યુ રેકોર્ડ ધ્યાનમાં લેવાના રહેશે. હાઇકોર્ટે સમગ્ર ગુજરાત રાજયમાં આ માર્ગદર્શિકા અને નિર્દેશોનું કડકાઈથી પાલન થઈ શકે તે માટે રાજયના મહેસૂલ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને હુકમ કરવામાં આવતા અગ્રસચિવ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરને હાઇકોર્ટના આદેશ અન્વયે માર્ગદર્શિકા મોકલી આપી વહેલામાં વહેલી તકે લેન્ડ ગ્રેબિંગ કેસ માટે અલગ દફ્તર અને મહેકમની રચના કરવા સૂચના આપવામાં આવી છે.
ઉલ્લખેનીય છે કે, લેન્ડગ્રેબીંગના કેસોમાં જે તે જિલ્લા કલેકટરના વડપણ હેઠળ નીમાયેલી કમીટીઓ દ્વારા આડેધડ, પક્ષપાતી અને મનસ્વી તપાસ ચાલતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી પરંતુ હવે કાર્યપધ્ધતિ હવે નહી ચાલે, હવેથી તમામ જિલ્લાઓમાં હાઈકોર્ટના નિર્દેશો મુજબ માર્ગદર્શિકાનું ચુસ્તતાપૂર્વક અનુસરણ કરીને તટસ્થ અને પારદર્શી તપાસ કરવી પડશે.
હાઇકોર્ટની માર્ગદર્શિકા
(૧) દરેક જિલ્લા સમિતિ માટે અલગ વિભાગની વહેલી તકે રચના કરવી
(૨) યોગ્ય જણાય તો સમિતિએ અંતિમ નિર્ણય લેતા પહેલા સંબંધિત પક્ષકારોને નોટિસ આપવાની રહેશે
(૩) સમિતિના નિર્ણયની જાણ પણ સંબંધિત તમામ પક્ષકારોને કરવાની રહેશે
(૪) તપાસ અહેવાલ સબમીટ કરવા માટે તપાસ અધિકારીએ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રતિબંધ) નિયમો, ૨૦૨૦ ના નિયમ-૫ ના પેટા નિયમ (૫) મુજબ તપાસ હાથ ધરતી વખતે મહેસુલ રેકોર્ડ સહિત તપાસ દરમ્યાન પક્ષકારો દ્વારા દાખલ કરાયેલા તમામ દસ્તાવેજો ધ્યાનમાં લેવાના રહેશે
(૫) સમિતિનું કોરમ તારીખ ૧૬-૧૨-૨૦૨૦ ના રોજ લાગુ પડતા નોટિફિકેશન મુજબ રાખવું
(૬) તારીખ ૧૬-૧૨-૨૦૨૦ ના નોટિફિકેશનમાં ઉલ્લેખિત કમીટીના કોરમમાં ફક્ત તે જ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે જેઓ ઉપરોક્ત સૂચના મુજબ સમિતિની રચના કરતા સભ્યો હોય