વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે : સુરતમાં ૧૪ કિલોમીટર લાંબો રોડ શો
કાલે નવસારીમાં યોજાશે ‘લખપતિ દીદી સંમેલન’
વડાપ્રધાનના હસ્તે મહિલાઓને ₹450 કરોડની સહાય આપવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ એટલે કે 7 અને 8 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે છે. આજે સુરતમાં સાંજે ૧૪ કિલોમીટર લાંબો રોડ શો યોજાશે અને ત્યાર બાદ તેઓ નવસારી જશે. શનિવારે 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાત લેશે. તેમની અધ્યક્ષતા હેઠળ નવસારીમાં વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના હસ્તે રાજ્યની 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની બે લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય આપવામાં આવશે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વડાપ્રધાન શુક્રવારે સાંજે સુરત આવી પહોંચશે અને ત્યાંથી ૧૪ કિલોમીટરનો રોડ શો યોજશે. મોદીના રોડ-શોને લઈને રસ્તાઓથી માંડીને ડિવાઈડર, લાઈટોથી માંડી તમામ સ્તરે બ્યૂટિફિકેશનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. તે પૂર્વે મનપા કમિશનર, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સુરત શહેરના મેયર સહિતના પદાધિકારીઓએ વડાપ્રધાન મોદીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ગોડાદરાથી નીલગીરી સર્કલ અને ત્યાર બાદ સર્કિટ હાઉસ તરફના રૂટ પરની સિટી બસ અને બીઆરટીએસ બસો રદ કરવામાં આવી છે.
તા. ૮ના રોજ નવસારીમાં વાંસી બોરસી ખાતે યોજાનાર લખપતિ દીદી સંમેલનમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની 1 લાખ મહિલાઓ ભાગ લેશે. આ મહિલાઓમાં મોટાભાગે સ્વસહાય જૂથોની સભ્ય મહિલાઓ, જેઓ લખપતિ દીદી બની છે અથવા તો બનવાની ઇચ્છા ધરાવે છે, તેઓ સામેલ થશે. પસંદ કરવામાં આવેલ 10 લખપતિ દીદીઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સંવાદ કરશે અને 5 લખપતિ દીદીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરશે. આ ઉપરાંત, ગુજરાતમાં લખપતિ દીદી યોજના અંતર્ગત જે પ્રગતિ થઈ છે, તે દર્શાવતી એક ફિલ્મ પણ કાર્યક્રમ દરમિયાન બતાવવામાં આવશે. આ સાથે જ કાર્યક્રમ દરમિયાન બે મહત્વપૂર્ણ રાજ્ય વિશિષ્ટ યોજનાઓ પણ લોન્ચ કરવામાં આવશે.
અંત્યોદય પરિવારની બહેનોની આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી આગામી 8 માર્ચના રોજ જી-સફલ (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમેલીઝ ફોર ઓંગ્મેન્ટિંગ લાઈવલીહુડ્સ) યોજના લોન્ચ કરવામાં આવશે. આ યોજના થકી આગામી પાંચ વર્ષમાં રાજ્યના 2 મહત્વાકાંક્ષી જિલ્લા તથા 13 મહત્વાકાંક્ષી તાલુકાના 50 હજાર અંત્યોદય અન્ન યોજના (AAY) કાર્ડધારક પરિવારોને લાભ આપવામાં આવશે. આ યોજના અંત્યોદય પરિવારની સ્વસહાય જૂથોની (SHG) મહિલાઓને નાણાંકીય સહાય અને ઉદ્યોગસાહસિક તાલીમ આપવા માટે છે.