આવતીકાલે વડાપ્રધાન મોદી આવશે ગુજરાત : ભાવનગરમાં કરશે ભવ્ય રોડ શો,રૂ.1292 કરોડના સોલાર પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ
આવતીકાલે ભાવનગર આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત થનાર છે જેમાં પીજીવીસીએલના રૂપિયા 1292 કરોડના 323 મેગાવોટ વીજળી ઉત્પાદન કરતા વિવિધ સોલાર પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. રાજ્યની ઉર્જા ક્ષમતામાં વધારો કરતા આ પ્રોજેક્ટમાં વડાપ્રધાન રાજકોટના જામકંડોરણા અને જામનગરના માંડસણ ગામે ઉદ્ઘાટન સમયે સંવાદ પણ કરનાર હોવાનું જાણવા મળે છે.
પરંપરાગત ઉર્જાસ્રોતના ઉપયોગ થકી વીજ ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે. ખાસ કરીને વિન્ડ એનર્જી અને સોલાર પ્રોજેક્ટમાં ગુજરાતે કાઠું કાઢ્યું છે ત્યારે આવતીકાલે ભાવનગર જિલ્લાની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોના લોકર્પણ અને ખાતમુહૂર્તમાં પીજીવીસીએલના રૂપિયા 1292 કરોડના 323 મેગાવોટના વિવિધ સોલાર પાર્ક પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન દ્વારા ભાવનગર ખાતેથી વર્ચ્યુલી લોકાર્પણમાં રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આવેલ 16 કરોડના ખર્ચે નિર્માણ થયેલા 4 મેગાવોટના પ્રોજેક્ટ ઉપરાંત જામનગર જિલ્લાના માંડસણ ગામે 12 કરોડના ખર્ચે નિર્માણ થયેલા 3 મેગાવોટના સોલાર પ્રોજેક્ટ સ્થળે ઉદઘાટન સમયે સંવાદ પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સોલાર પ્રોજેક્ટ થકી ઉત્પન્ન થતી વીજળી પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં યોગદાન આપે છે. આ પહેલ ભારત સરકારના નેટ ઝીરો લક્ષ્યોને સમર્થન આપે છે.વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ દરમિયાન અન્ય અનેક પ્રોજેક્ટના પણ લોકાર્પણ -ખાતમુહૂર્ત થશે. આ સોલાર પ્રોજેક્ટ ગુજરાતની ઉર્જા નીતિ અને ભારતના નવીકરણીય ઉર્જા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર રહેવાના પ્રયાસોનું પ્રતીક હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
