વડાપ્રધાન મોદી ફરી એકવાર આવશે ગુજરાત : ભાવનગરમાં કરશે ભવ્ય રોડ-શો, કરોડોના વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બહુ ટૂંકા ગાળાની અંદર ફરી ગુજરાત આવી રહ્યા છે. આ વખતે તેઓ સૌરાષ્ટ્રના ભાવનગરમાં ભવ્ય રોડ-શો કરશે. આ ઉપરાંત મહાપાલિકા તેમજ ગુજરાત મેરિટાઈમ બોર્ડના કાર્યક્રમોમાં પણ હાજર રહેશે. આવતાં શનિવારે 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન ભાવનગર આવી રહ્યા હોય મહાપાલિકા, પોલીસ તેમજ કલેક્ટર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.
`ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અમદાવાદમાં રોડ-શો કર્યો હતો જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આવો જ રોડ-શો ભાવનગરમાં પણ તેઓ કરનાર હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. જો કે કાર્યક્રમને હજુ એક સપ્તાહ જેટલો સમય હોય તેમાં ફેરફાર થવાની શક્યતા પણ રહેલી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
જો કે વડાપ્રધાનના હસ્તે મહાપાલિકા હસ્તકના કુંભારવાડાથી દસનાળા સુધીનો ફોર-લેન ટ્રેક તેમજ 45 એમએલડીની ક્ષમતાના સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિકાસકામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સિવાય વડાપ્રધાન શિપિંગ મંત્રાલય હેઠળ આવતાં ગુજરાત મેરિટાઈમ બોર્ડના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ અંગે ટૂંક સમયમાં જ સત્તાવાર કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે તે પહેલાં જિલ્લા પોલીસ વડા સહિતનાએ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને સ્થળ નિરીક્ષણ સહિતની કાર્યવાહી પૂર્ણ કરી હતી.