વડાપ્રધાન મોદી 11મી જાન્યુઆરીએ રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટનું કરશે ઉદઘાટન: VGRC થી સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે
11 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થશે. આ કોન્ફરન્સ કચ્છ સૌરાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રિજનલ કોન્ફરન્સ અને તેને સંલગ્ન તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે વાઇબ્રન્ટ સમિટને લઈને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી રાજકોટ આવી પહોંચ્યા હતા અને અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી અને બેઠક બાદ પત્રકાર પરિષદ કરીને સમગ્ર માહિતી આપી હતી.

મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રાજકોટ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્યના નાના-મોટા ઉદ્યોગકારોની મુશ્કેલીઓ, પ્રશ્નો અને રજૂઆતોનો તત્કાલ હલ કરીને તેઓ વધુ રોકાણ કરીને ઉદ્યોગ-ધંધાનો વિકાસ કરી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ સાથે તમામ વિભાગો સાથે ગ્રુપ બેઠક પણ યોજવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રાજકોટ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે અને આગામી દિવસોમાં દેશ અને દુનિયામાંથી વધુ રોકાણ આવી શકે તે માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ મહેસાણામાં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો :નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો સાથે કર્યો સંવાદ: વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા કર્યું આહવાન

વડાપ્રધાન મોદીના હસ્તે 11મીએ મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 11મી જાન્યુઆરીએ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરવામાં આવશે. આ કોન્ફરન્સ તેમજ ત્યારબાદના દિવસોમાં પણ સૌરાષ્ટ્ર તથા કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે.રાજકોટ મેન્યુફેક્ચરિંગ સહિત તમામ સેક્ટરમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. પરંતુ હજુ પણ વધુ ઝડપથી વિકાસ થઈ શકે અને વેપારીઓ, ઉદ્યોગકારો, ઉત્પાદકો વધુ સરળતાથી કામ કરી શકે તે માટે આજે તેઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારની વિવિધ ઔદ્યોગિક નીતિઓ અંતર્ગત રાજ્યના 10,435 ઉદ્યોગકારોને રૂ.956.51 કરોડની પ્રોત્સાહક સહાયનું આજે રાજકોટથી વિતરણ કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણ ઔદ્યોગિક માળખાકીય સુવિધાની યોજના, લઘુ ઉદ્યોગો અંગેની યોજના વગેરે જેવી યોજનાઓ હેઠળ સૌરાષ્ટ્ર કચ્છના 137 ઉદ્યોગકારોને કુલ રૂપિયા 661 કરોડથી વધુ રકમના મંજૂરીપત્રોનું વિતરણ અહીંથી કરવામાં આવનાર છે. દેશમાં ગુજરાત એ સૌથી ઝડપથી ઇન્સેન્ટિવ આપતું રાજ્ય છે. આ કામગીરી વધુ ઝડપથી થઈ શકે તે માટે ઉદ્યોગ વિભાગ દ્વારા દિવસ-રાત કામગીરી કરવામાં આવતી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશમાં સૌથી વધુ રોકાણ લાવવામાં સફળ રહ્યું છે. આગામી દિવસોમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર સૌ નાગરિકોના સહયોગથી રાજ્યમાં વધુમાં વધુ રોકાણ લાવીને વિકાસના માર્ગે અગ્રેસર રહેશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
