વડાપ્રધાન મોદી આજે ફરી ગુજરાતમાં : વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ
સાબરમતિ આશ્રમના પુનઃનિર્માણ પ્રોજેક્ટની કરાવશે શરૂઆત : વંદે-ભારત ટ્રેનને આપશે લીલીઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમજ રેલવેનાં વિવિધ પ્રોજેક્ટ અને વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનનાં કાર્યક્રમને લઇ વહીવટી તંત્ર તેમજ રેલવે વિભાગ દ્વારા તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં સામેલ થશે અને ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’નો શુભારંભ કરશે. ₹1200 કરોડના ખર્ચે પ્રસ્તાવિત 55 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટ તુરંત અમલમાં મુકાશે.
આ સિવાય વડાપ્રધાન મોદી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. જે અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે. આ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં સક્ષમ છે. PM મોદી સમગ્ર દેશમાં લગભગ 10 અન્ય વંદે ભારત ટ્રેનો સાથે કેસરી રંગની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરશે. નવી શરૂ કરાયેલ અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદથી સવારે 6.10 વાગ્યે ઉપડશે અને વડોદરા, સુરત, વાપી અને બોરીવલી ખાતે 11.35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચતા પહેલા થોભશે. એક્સપ્રેસ ટ્રેનમાં 16 કોચ છે. આ ટ્રેનને આ મુખ્ય શહેરો વચ્ચેની મુસાફરી ઝડપી અને આરામદાયક બનાવવા માટે બનાવવામાં આવી છે. તે બોરીવલી, વાપી, સુરત અને વડોદરા સહિતના મુખ્ય સ્ટેશનો પર રોકાશે.
સાંજે 6.30 વાગ્યે 11મા પ્રધાનમંત્રી ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન કરશે અને આ પ્રસંગે સંબોધન કરશે. 11મા ખેલ મહાકુંભ માટે 45 લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ 2010 માં ગુજરાતમાં શરૂ થયેલા ખેલ મહાકુંભમાં આજે 36 સામાન્ય રમતો અને 26 પેરા રમતોનો સમાવેશ થાય છે.
