રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજકોટમાં કર્યું રાત્રિ-રોકાણ : ભોજનમાં બાજરીના રોટલા-કઢી સહિતની કાઠિયાવાડી વાનગી પીરસાઇ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરુવારે સાંજથી સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે, ગુરુવારે સાંજે હિરાસર એરપોર્ટ ખાતે આગમન બાદ રાજ્યમંત્રી મુળુભાઈ બેરા, મેયર નયનાબેન પેઢડિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, કેસરીદેવસિહજી ઝાલા સહિતના સાત મહાનુભાવોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી રાષ્ટ્રપતિ સીધા જ સરકીટ હાઉસ ખાતે આવ્યા હતા જ્યાં રાત્રિરોકાણ બાદ સવારે એરપોર્ટથી તેઓ હેલીકૉપટર મારફતે સોમનાથ જવા રવાના થયા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરુવારે સાંજે એરફોર્સના ખાસ વિમાન મારફતે રાજકોટ હિરાસર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. હિરાસર એરપોર્ટ ખાતે આગમન બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાજ્યમંત્રી મુળુભાઈ બેરા, મેયર નયનાબેન પેઢડિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, કેસરીદેવસિહજી ઝાલા સહિતના સાત મહાનુભાવોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બાદ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાજકોટના સરકીટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓ કાઠિયાવાડી ભોજનનો આનંદ માણી રાત્રી રોકાણ કર્યું હતું અને સવારે 10 વાગ્યા બાદ હિરાસર એરપોર્ટ ખાતેથી હેલીકૉપટર મારફતે સોમનાથ જવા રવાના થયા હતા.
આ પણ વાંચો :કેટલા દેશમાં દૂષિત સિરપ મોકલાયું? WHOએ માંગી માહિતી, 20થી વધુ બાળકોના મોત બાદ મામલો વધુ ગંભીર બન્યો
રાજકોટથી હેલિકોપ્ટર મારફતે યાત્રાધામ સોમનાથ જવા રવાના
રાજકોટથી હેલિકોપ્ટર મારફતે યાત્રાધામ સોમનાથ પહોંચી તેઓ સોમનાથ દાદાની પૂજા-અર્ચના કરી સીધા જ સાસણ જવા રવાના થશે. સાસણમાં રાષ્ટ્રપતિ સિહદર્શન કરી અહીં જ રાત્રી રોકાણ કરી બાદમાં બીજા દિવસે દ્વારકા જશે અને દ્વારકાથી જામનગર ખાતે પહોંચી જામનગરથી તેઓ સીધા જ અમદાવાદ ખાતેની ગુજરાત વિદ્યાપીઠના કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. રાષ્ટ્રપતિના રાજકોટ ખાતેના રાત્રી રોકાણને લઈને કલેકટર તંત્ર દ્વારા બ્લ્યુ બુક મુજબ પ્રોટોકોલ ગોઠવવામાં આવ્યો હતો અને સુરક્ષા અને વ્યવસ્થા માટે 50 જેટલા અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ મુર્મુને ભોજનમાં બાજરીના રોટલા તેમજ કઢી સહિતની વાનગી પીરસાઇ
રાજકોટમાં રાષ્ટ્રપતિના રાત્રી રોકાણને પગલે તેઓને રાત્રી ભોજનમાં કાઠિયાવાડી ભોજન પીરસાયુ હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નજર હેઠળ બનેલ વિવિધ વાનગીઓમાં બાજરાના રોટલા, કાઠિયાવાડી કઢી, ગ્રીન સલાડ, બુંદીનું રાયતું, દુધી ચણાનું શાક, તુરીયા પાત્રાનું શાક, ઊંધિયું, ઢોકળી, -પુલાવ રાઈસ, ફુલકા રોટલી, જવારની રોટી, ભાખરી તેમજ મીઠાઈમાં ખીર અને રસમલાઈ પીરસવામાં આવી હતી તેમજ સવારે નાસ્તામાં ગાજર અને -બીટનું જ્યુસ, દૂધ સાથે કોર્ન ફ્લેક્સ, ગ્રીન ટી, કાઠિયાવાડી ચા, બ્લેક કોફી, લસ્સી, ફ્રેશ ક્રૂટ, ઈડલી ઢોંસા, ઉતપમ, કોકોનટ ચટણી, સાંભાર, ફાફડા ગાંઠીયા, પાત્રા, ખાંડવી, ખમણ, થેપલા, સેન્ડવિચ, ડ્રાય ફ્રુટ કેક સહિતની વાનગી -પીરસવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
