વર્ષ 2026-2027 શૈક્ષણિક વર્ષ માટે RTE હેઠળ તૈયારી શરૂ થશે: વિદ્યાર્થીઓની સંખ્યા અને વર્ગોની વિગતો મંગાવાઇ
વર્ષ 2026-2027 શૈક્ષણિક વર્ષ માટે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ રાજકોટ સહિત સમગ્ર રાજયમાં ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે.વર્ષ 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ પ્રક્રિયાની પૂર્વ તૈયારીઓ અત્યારથી જ શરુ કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ ખાનગી શાળાઓ પાસે વિદ્યાર્થીઓની સંખ્યા અને વર્ગોની વિગતો મંગાવવામાં આવી છે.
આ પ્રક્રિયાને સમયસર પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ દેવાય છે, જેથી આગામી સમયમાં જ્યારે પ્રવેશની જાહેરાત થાય ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે.શાળાઓને ખાસ વેરિફિકેશન ફોર્મ આપવામાં આવશે.
આ પ્રક્રિયા અંતર્ગત રાજકોટ સહિત સૌરાષ્ટ્ અને સમગ્ર રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ CRCને આ અંગેની કામગીરી સોંપવામાં આવશે. શાળાઓને ખાસ વેરિફિકેશન ફોર્મ આપવામાં આવ્યું છે, જેમાં ધોરણ 1ના વર્ગોની સંખ્યા, RTE હેઠળ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને કુલ વિદ્યાર્થીઓની માહિતી માંગવામાં આવી છે. નિયમ મુજબ, શાળાઓમાં ધોરણ 1ના `નોન-RTE’ વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે જ RTEની બેઠકો નક્કી કરવામાં આવે છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 921 ખાનગી શાળાઓમાં 6,640 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ મળ્યો હતો.
2024માં 804 શાળાઓમાં 4,487 બેઠકો હતી. જ્યારે 2025માં શાળાની સંખ્યામાં 117 અને બેઠકોમાં 2,153નો વધારો થયો હતો. રાજકોટ શહેરમાં 592 શાળાઓમાં 4,453 બેઠકો અને જિલ્લા પંચાયત હસ્તકના તાલુકા વિસ્તારોમાં 329 શાળાઓમાં 2,187 બેઠકો ઉપલબ્ધ છે.
