આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સર સંઘસંચાલક મોહન ભાગવતના ભારતભરના પ્રવાસોમાં ખાસ્સો એવો વધારો થયો છે. સૂત્રોનું માનીયે તો આગામી લોકસભા ચૂંટણીને જ લક્ષ્યમાં રાખીને હાલ તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. સર સંઘસંચાલક મોહન ભાગવત ગઈકાલથી સાત દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે મોડી સાંજે સુરત પહોંચ્યા હતા અને તેમનું રોકાણ બીજી ઓક્ટોબર સુધી ગુજરાતમાં છે. આ દિવસો દરમિયાન તેઓ સંઘની વિવિધ પ્રવૃત્તિ ભાજપ એબીવીપી સહિતની ભગીની સંસ્થાઓ સાથે બેઠક અને સમીક્ષાઓ કરશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સુરતમાં લાઈફ ડોનેટ સંસ્થાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ 28મી સપ્ટેમ્બરે ગુરુવારે અમદાવાદની ખાનગી સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ 29 સપ્ટેમ્બરથી 1લી ઓક્ટોબર, એમ 3 દિવસ અમદાવાદના મણીનગર કાંકરિયામાં આવેલા હેગડેવાર ભવનમાં તેઓ સંગઠ્ઠનાત્મક બેઠકનું આયોજન કર્યુ છે.
આ ત્રણ દિવસની બેઠકમાં તેઓ આરએસએસના પદાધિકારીઓ કિસાન મોરચા, વિદ્યાર્થી પાંખ તેમજ રાજકીય પાંખ, ભાજપ પક્ષ સહિતના આગેવાનો સાથે રાજ્યની સાંપ્રત પરિસ્થિતિના અહેવાલો સહિતની સમીક્ષા કરશે અને આગામી દિવસોમાં સંગઠનની નવા કાર્યક્રમોને પ્રવૃત્તિઓની વિસ્તારપૂર્વક રૂપરેખા તૈયાર કરશે.
આમ તો આ બેઠક સંઘની પ્રવૃત્તિઓનો જ એક ભાગ હોવાનું કહેવાઇ રહ્યું છે. પરંતુ, ખરેખર એની પાછળનો ઉદ્દેશ્ય આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને અને નરેન્દ્ર મોદીની સરકારને પ્રચંડ જીત મળે તે પ્રકારના આયોજનો માટે જ હોવાનું આંતરિક સૂત્રો કહી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલાંની મોહન ભાગવતના આ મુલાકાતોએ સંઘના કાર્યકરોને વોર્મ અપમાં લાવવા માટે હોવાનું મનાઈ રહ્યું છે.