પ્રિ-વેડિંગ ફોટો શૂટના શોખીનો હવે ચેતજો! વેરાવળના આદરી બીચ પર પ્રિ-વેડિંગ સમયે 5 લોકો તણાયા, યુવતી લાપતા
હાલ પ્રીવેડિંગનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો પ્રીવેડિંગ યાદગાર બનાવવા માટે અનેક લોકેશન પર શુટ કરતાં જોવા મળે છે. ત્યારે વેરાવળમાં પ્રીવેડિંગના શોખીનો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આદરી બીચ પર પ્રીવેડિંગ દરમિયાન એક દુ:ખદ ઘટના બની હતી.ફોટોશૂટ દરમિયાન દરિયામાં 5 લોકો તણાયા હતા જેમાં 4 લોકોનો આબાદ બચાવ થયો છે જ્યારે 1 યુવતી લાપતા થતાં તંત્ર કામે લાગ્યું છે અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર આ ઘટના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાની છે જ્યાં આદરી બીચ પર આજે બપોરે એક દુ:ખદ ઘટના બની હતી. પ્રીવેડિંગની ઘેલછા જે રીતે કપલ્સમાં વધી રહી છે તેમ અહી 5 લોકો પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે આવેલા હતા ત્યારે દરિયામાં મોજું આવતા 5 લોકો તણાઇ ગયા હતા જેમાં 4 લોકોનો બચાવ કરવામાં આવ્યો છે જ્યારે 30 વર્ષીય યુવતી જ્યોતિ હરસુખભાઈ પરમાર લાપતા છે.
ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા વેરાવળ ફાયર બ્રિગેડ, પોલીસ તંત્ર અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ બનાવને પગલે પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ગભરાટનો માહોલ છવાયો છે જ્યારે યુવતીનો પરિવાર ચિંતામાં છે. હાલ યુવતીની શોધખોળ ચાલુ છે ત્યારે બીચ પર સુરક્ષાની માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો :હનુમાન મઢી પાસેનું શૌચાલય 100% ‘ન્યુસન્સ’ : લોકોના ‘મત’ સાથેનો અહેવાલ પ્રસિદ્ધ થતાં જ RMC દ્વારા હટાવવાની તૈયારી શરૂ
અત્રે ઉલ્લેખનીય છે કે દરિયામાં લાપતા બનેલ યુવતી જ્યોતિ પરમાર મૂળ માંગરોળ તાલુકાના ઢેલાણાં ગામની વતની છે. ત્યારે પ્રીવેડિંગ માટે કપલ દરિયાકિનારે આવ્યું હતું. ખુશીની ક્ષણ કેમેરામાં કેદ કરવા માટે આવ્યું હતું ત્યારે યુવતી લાપતા થતાં માતા-પિતા અને સમગ્ર પરિવારજનો ચિંતામાં મુકાયા છે. હાલ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ છે.
