પોલીસનો RMCને જવાબ, અમારા પાસે હાલ પૈસા નથી, આવતાં વર્ષે વેરો ભરશુ! મહાપાલિકા સરકારી તંત્ર સામે ચૂપ
નવું નાણાકીય વર્ષ શરૂ થાય એટલે મહાપાલિકાની વેરા વસૂલાત શાખા `ગબ્બર’ની જેમ ટેક્સ ઉઘરાવવા માટે મેદાને ઉતરી પડે છે. આ વખતે તો પાંચ હજારથી ઓછો વેરો બાકી હોય તેવા બાકીદારોની મિલકત સીલ કરવા તેમજ નળજોડાણ કાપી નાખવા સુધીના આકરાં પગલાં લેવાઈ રહ્યા હોય ચૂંટણી ટાણે જ મતદારોનો રોષ વ્હોરવાની હિંમત કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે મહાપાલિકા જાણે કે સરકારી કચેરીઓ પાસેથી વેરાની વસૂલાત કરવામાં સાવ મૌન સેવી લેતી હોવાથી અનેક કચેરીઓનો વર્ષોથી વેરો બાકીનો બાકી જ રહ્યો છે. આવો જ એક વિભાગ પોલીસનો પણ છે જેનો અલગ-અલગ પોલીસ મથક, હેડ ક્વાર્ટર, જામનગર રોડ પર આવેલી ક્રાઈમ બ્રાન્ચ-સાયબર ક્રાઈમની કચેરી સહિતનો 13 કરોડ જેટલો માતબર રકમનો વેરો બાકી હોવાથી આ વર્ષે ઉઘરાણી કરવામાં આવતાં જ જવાબ આપી દેવામાં આવ્યો હતો કે અમારા પાસે હાલ પૈસા નથી એટલા માટે આવતાં વર્ષે વેરાની ભરપાઈ થશે !
થોડા સમય પહેલાં શાસકો દ્વારા ટેક્સ બ્રાન્ચના અધિકારીઓને રૂબરૂ બોલાવીને કહેવામાં આવ્યું હતું કે પોલીસ તંત્ર પાસેથી વેરાની નોંધપાત્ર રકમ બાકી બોલી રહી છે ત્યારે કોઈ પણ ભોગે વેરાની વસૂલાત કરો. આ આદેશ થતાં જ ટેક્સ બ્રાન્ચે ઉઘરાણી માટે ઘોડા દોડાવ્યા હતા. જો કે આ આદેશ થયાને ઘણો સમય પસાર થઈ ગયો છતાં હજુ સુધી વેરો ભરપાઈ કરવામાં આવ્યો ન હોય ફરી એક વખત યાદી આપવામાં આવતાં પોલીસ તંત્ર દ્વારા જવાબ અપાયો હતો કે આવતાં વર્ષે સરકાર તરફથી જે ગ્રાન્ટ મળશે તેમાંથી વેરો ભરપાઈ કરાશે. આ પ્રકારનો જવાબ મહાપાલિકા તંત્રએ ગ્રાહ્ય પણ રાખી પોલીસ તંત્રને એક વર્ષની મુદ્દત પણ આપી દીધી છે.
આ પણ વાંચો :અમિત-વિજયનું કુંડાળું મોટું નીકળ્યું: 70 લોકોએ એક લાખથી એક કરોડ ગુમાવ્યા, બે દિવસમાં 15 લોકોના નિવેદન નોંધાયા
પોલીસ તંત્ર જેવું જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ વેરો ભરપાઈ કરવા મુદ્દે કર્યું છે. યુનિવર્સિટી દ્વારા પણ આ વર્ષે એક રૂપિયાનો વેરો પણ ભરપાઈ કરવામાં આવે તેવી શક્યતા નહીંવત્ છે. જ્યારે કલેક્ટર તંત્ર દ્વારા આ વર્ષે વેરાપેટે અમુક રકમ જમા કરાવવામાં આવે તેવી આશા વેરાશાખા સેવી રહી છે.
આ વર્ષે ટેક્સ બ્રાન્ચે વેરા વસૂલાતનો 425 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જેમાંથી 330 કરોડ જેવી જ આવક થઈ હોય લક્ષ્યાંક સુધી પહોંચવા માટે હજુ આક્રમક બનીને કાર્યવાહી થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. આ ઉપરાંત હવેથી 31 માર્ચ સુધી દર રવિવાર તેમજ જાહેર રજાના દિવસે પણ વેરા વસૂલાતની કાર્યવાહી ચાલુ રાખવા તેમજ સિવિક સેન્ટર અને ઝોનલ કચેરીએ રજાના દિવસોમાં પણ વેરો ભરપાઈ કરી શકે તેવી વ્યવસ્થા કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
