રાજકોટની વિવાદિત ડાંગર કોલેજના સંચાલક પુત્ર સામે પોલીસનો ટૂંકો પડી રહેલો પન્નો : હજુ સુધી નથી કરાઇ ધરપકડ
રાજકોટ શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલી અને વારંવાર વિવાદના કેન્દ્રમાં રહેવા માટે પંકાઈ ગયેલી બી.એ.ડાંગર કોલેજનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ગત 26 ઓગસ્ટે કોલેજમાં અભ્યાસ કરતા 23 વર્ષીય ધર્મેશ કલસરિયા (રહે.મુળ મહુવા)એ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરવા પાછળ અનેક કારણ ચર્ચામાં આવ્યા હતા પરંતુ કાગળ ઉપર ક્યાંય પણ કોલેજના સંચાલકો કે જવાબદારોની જવાબદારી ફિક્સ કરવામાં આવી ન્હોતી. જો કે ત્યારબાદ દિલ્હીથી આવેલી ચેકિંગ ટીમે ડાંગર કોલેજની માન્યતા રદ્દ કરી નાખી હતી. આ બધાની વચ્ચે કોલેજના સંચાલક જનક મેતાના પુત્ર આત્મન મેતાએ વિદ્યાર્થીના આપઘાત મામલે સાક્ષી બન્યાનો ખાર રાખી યુવક પર ચાર સાગરિતો સાથે મળીને હુમલો કર્યાની ઘટના બન્યા છતાં આત્મનને પકડવામાં પોલીસનો પન્નો ટૂંકો પડી રહ્યો હોય તે પ્રકારે હજુ સુધી તેની ધરપકડ કરાઈ ન્હોતી.
આ પણ વાંચો :દોહાથી હોંગકોંગ જતી કતાર એરવેઝની ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ, મુસાફરો ચિંતામાં, જાણો શું છે કારણ
આ અંગે બી.એ.ડાંગર કોલેજની પાછળ 25 વારિયા ક્વાર્ટરમાં રહેતા અને ટેક્સી ચલાવતા શનિકુમાર યોગેશભાઈ કાગદડા (ઉ.વ.31)એ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉ કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે મને સાક્ષી બનાવ્યો હોવાની શંકા રાખી આત્મન મેતા, તેનો મિત્ર સતીષ જળુ, સાગરદાન ગઢવી સહિતનાએ `તું આત્મનના કેસમાં સાક્ષી કેમ પડ્યો’ કહીને ઝઘડો શરૂ કર્યો હતો. આ પછી સાગર ગઢવીએ અન્ય એક અજાણ્યા શખસને બોલાવ્યો હતો જે કુહાડી લઈને ધસી આવ્યો હતો ત્યારબાદ સતિષ સહિતનાએ ઝપાઝપી કરી હતી સાથે સાથે વચ્ચે પડેલી શનિની પત્નીને પણ ધક્કો મારી પછાડી દીધી હતી. જતા જતા આત્મને કહ્યું હતું કે હવે બીજીવાર મારા હાથે ચડીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો :મંત્રી બાબરિયાએ રાજકોટ એઈમ્સના વખાણ કર્યા, વકીલે ટોણો માર્યો, બે વર્ષથી આરોગ્ય કેન્દ્ર તૈયાર છે, શરૂ કરાવો!
આ ઘટના બન્યા બાદ ડરી ગયેલા યુવકે યુનિવર્સિટી પોલીસ મથકમાં આત્મન મેતા, સતીષ જળુ, સાગર ગઢવી અને એક અજાણ્યો શખસ મળી ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા છતા આત્મન મેતા તેનું નંબર પ્લેટ વગરનું કાળા રંગનું સ્કૂટર લઈને ફરિયાદીના ઘરની આસપાસ બિન્દાસ્ત ફરી રહ્યાનું તો જે શખસ કુહાડી લઈને આવ્યો હતો તે અજાણ્યો શખસ ગોંડલ રોડ પર આવેલી એક હોટેલ પર બેઠો હોવાનું ફરિયાદીના ધ્યાન પર આવ્યું હતું પરંતુ આ વાત પોલીસના ધ્યાન પર ન હોય તે પ્રકારે એક પણ આરોપીને પકડ્યા ન્હોતા.
