જ્યાં મોડલની હત્યા કરી ત્યાં જ પોલીસની ગોળીએ વિંધાયો! નર્મદા કેનાલ પર સાઇકો કિલરનું પોલીસે કર્યું એન્કાઉન્ટર
અમદાવાદ જ નહીં બલ્કે આખા ગુજરાતને હચમચાવી નાખે તેવી ઘટના ચાર દિવસ પહેલાં એટલે કે 20 સપ્ટેમ્બરની રાત્રે 1ઃ15 વાગ્યે બનવા પામી હતી. અડાલજ નજીક અંબાપૂર નર્મદા કેનાલ કે જે વેરાન વિસ્તાર છે ત્યાં કારમાં જન્મદિવસની ઉજવણી કરી રહેલા યુવક-યુવતીને છરી બતાવી લૂંટ કરવાના ઈરાદે હુમલો કરી દેતા યુવકનું મૃત્યુ થયું હતું જ્યારે યુવતીને પણ છરીના ઘા લાગી જતાં તે પણ ઘાયલ થઈ હતી. આ પછી પોલીસે લાંબી મહેનતના અંતે આરોપીને રાજકોટની ભાગોળે માંડાડુંગર પાસેથી પકડી પાડ્યા બાદ ઘટનાનું રિ-ક્નસ્ટ્રક્શન કરાવવા માટે લઈ જવાયો હતો જ્યાં તેણે પોલીસનું હથિયાર છીનવી ફાયરિંગ કરતા વળતી કાર્યવાહીમાં પોલીસની ગોળીએ વિંધાઈ જવા પામ્યો હતો. આમ આરોપીએ જે સ્થળે હત્યાને અંજામ આપ્યો ત્યાં જ તે ગોળીએ ઠાર થયો હતો સાથે સાથે ઘણા લાંબા સમય બાદ પોલીસે ગુજરાતમાં એન્કાઉન્ટર કરતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
આ પણ વાંચો : રાજકોટથી દિલ્હીની વધુ એક ઉડાન: આ તારીખથી એર ઇન્ડિયાની સવારની ફલાઇટ થશે ટેકઓફ
આ ઘટનાની વધુમાં જાણવા મળેલી વિગતો પ્રમાણે 20 સપ્ટેમ્બરની રાત્રે 1ઃ15 વાગ્યા આસપાસ અંબાપૂર કેનાલ પાસે વૈભવ મનવાણી કે જે મોડેલિંગનું કામ કરતો હતો તે અને એક યુવતી કારમાં બેસીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે એક શખસ ત્યાં ધસીઆવ્યો હતો અને છરી બતાવી લૂંટનો પ્રયાસ કરતા વૈભવે તેનો પ્રતિકાર કરતા જ તેને છરીના એક બાદ એક ઘા મારી દેતાં લોહીલુહાણ હાલતમાં તે ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ પછી યુવતીને પણ છરીના ઘા મારી દેતા તે લોહી નીકળતી હાલતમાં દોઢ કિલોમીટર સુધી ચાલીને ગઈ હતી અને ત્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસને જાણ કરી હતી.
આ ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવતાં જ ગાંધીનગર એલસીબી ઉપરાંત સમગ્ર જિલ્લાની પોલીસ કામે લાગી હતી. સીસીટીવી સહિતની મદદ લેતા પોલીસે આ ગુનાને અંજામ આપવામાં વિપુલ વિષ્ણુભાઈ પરમાર નામનો શખસ કે જે માનસિક બિમાર હોય તેણે જ આપ્યો હોવાનું ખુલતા તેની શોધખોળઆદરી હતી. ત્રણ દિવસ સુધી મથામણ કર્યા બાદ આખરે વિપુલ માંડાડુંગરમાં તેની બહેનના ઘેર છુપાયો હોવાની જાણ થતા જ પોલીસે દોડી આવી દબોચી લીધો હતો અને તેને પરત લઈ જવામાં આવ્યો હતો. આ પછી બુધવારે ઘટનાનું રિ-ક્નસ્ટ્રક્શન કરાવવા માટે સ્થળ પર લઈ જવામાં આવતા જ વિપુલે પોલીસ પાસે રહેલી બંદૂક છીનવી ફાયરિંગ શરૂ કરી દેતા ત્રણ પોલીસકર્મી ઘાયલ થઈ ગયા હતા આમ છતા પોલીસે વળતું ફાયરિંગ કરતા ભાગી રહેલા વિપુલને ગોળી લાગી ગઈ હતી અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો.
