રાજ્યભરમાં પોલીસ કર્મચારીઓએ પગાર માટે આ વખતે જોવી પડશે રાહ! ગ્રાન્ટના અભાવે પગાર મોડા થશે
રાજ્યભરના પોલીસ કર્મચારીઓ માટે નવા વર્ષ-2026ના આરંભે જ આંચકારૂપ સમાચાર આવ્યા છે. આ મહિને ગ્રાન્ટના અભાવે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બધાના પગાર મોડા પડશે, વિલંબ થશે. વાયરલ લેટરે પણ ભારે ચકચાર જગાવી છે.
ટાઢ, તડકો કે વરસાદ બારેય માસ જનસુરક્ષા તેમજ તમામ રાજકીય કાર્યક્રમોથી લઇ સુરક્ષા વ્યવસ્થા માટે ખડેપગે રહેલા પોલીસ કર્મીઓને મહિનો પૂર્ણ થાય કે તેમના એકાઉન્ટમાં સેલેરી જમા થઇ જતી હોય છે. પરંતુ આ મહિને (નવા વર્ષના આરંભે) પોલીસ અધિકારીઓથી લઇ નાના કર્મચારીઓ સુધીનાએ પગાર માટે રાહ જોવી પડશે.
રાજ્યની તમામ પોલીસ કચેરીઓ, ચારેય પોલીસ કમિશનર તથા એસપી અને રેન્જ કચેરીઓના તાબામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ડિસેમ્બર-2025ના પગાર ચૂકવવા માટે ગ્રાન્ટ આવી ન હોવાથી નિયત તારીખે પગાર થઇ શકે તેમ નથી. ગ્રાન્ટના અભાવે પગાર બિલ મોડા રજૂ કરવા માટે મંજૂરી માગવામાં આવી છે.
પગાર મોડા થવાની શક્યતા છે. રાજ્યભરમાં પોલીસ કર્મચારીઓના પગાર મોડા પડવા બાબતે કોંગે્રસ દ્વારા મુદ્દો ઉઠાવાયો છે. પ્રવક્તા મનીષ દોશીએ શાબ્દિક દંડો પછાડતાં કહ્યું કે, સરકાર પાસે અન્ય લખલૂંટ ખર્ચા માટે નાણાં છે. રાત-દિવસ પ્રજાની સેવામાં રહેતી પોલીસ માટે પગાર ચૂકવાવના નાણાં નથી. આ બાબતે રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે પગાર સમયસર થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. પગાર બાબતે ગૃહમંત્રીનું ધ્યાન દોરીશ.
