પોલીસ અમારું સાંભળતી નથી !! રાજકોટ ભાજપના કોર્પોરેટરોને પોલીસનો થયો ‘કડવો’ અનુભવ
રાજકોટ મહાપાલિકામાં ભાજપના ચૂંટાયેલા ૬૮ અને કોંગ્રેસના ચાર મળી ૭૨ કોર્પોરેટરો કાર્યરત છે. આ તમામને મહાપાલિકા, પીજીવીસીએલ, પોલીસ વિભાગને લગત દરરોજની ફરિયાદો મળતી હોય છે. જો કે મહાપાલિકાને બાદ કરતાં અન્ય વિભાગની ફરિયાદ આવે એટલે કોર્પોરેટરો દ્વારા “આ અમારામાં ન આવે’ તેવો જવાબ પણ આપવામાં આવે છે. અમુક કિસ્સામાં શક્ય હોય તો કોર્પોરેટરો પોલીસ કે અન્ય વિભાગ સાથે ટેલિફોનિક અથવા રૂબરૂ વાતચીત કરવામાં આવતી હોય છે. જો કે પાછલા થોડા દિવસોમાં અન્ય વિભાગ તો ઠીક પરંતુ મહાપાલિકાના અધિકારીઓ પણ કોર્પોરેટરોનું સાંભળતાં નહીં હોવાની વાત પ્રકાશમાં આવી ચૂકી છે ત્યારે હવે પોલીસ વિભાગનું ‘વર્તન’ પણ આવું જ થઈ જતાં કોર્પોરેટરોમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે અને ટૂંક સમયમાં પોલીસ કમિશનરને આ અંગે રજૂઆત કરવા તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
તાજેતરમાં જ ભાજપના એક-બે નહીં બલલ્કે ચારથી પાંચ કોર્પોરેટરોને પોલીસનો ‘કડવો’ અનુભવ થયો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. ખાસ કરીને પોતાનું ‘માન’ નહીં જળવાતાં એક નગરસેવકે ડીસીપીને ફોન કરીને કહેવું પડયું હતું કે અમે ફોન કરીએ ત્યારે પોલીસ કેમ અમારી સાથે વાત કરતી નથી ? અમે ‘ભલામણ’ કરવા માટે ફોન કરતાં જ નથી, કદાચ ભલામણ કરીએ તો પણ એ ગ્રાહ્ય રાખવી કે નહીં એ પોલીસે જોવાનું રહ્યું અને એ વિષય પણ પોલીસનો જ છે પરંતુ એક વખત અમારી સાથે વાત કરવી જરૂરી છે કેમ કે અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને હજારો લોકોએ મત આપીને અમને ચૂંટ્યા છે.
કોર્પોરેટરને આ વાત સાંભળી ડીસીપીએ એક જ લાઈનમાં જવાબ આપ્યો હતો કે હા, હું સુચના આપી દઉં છું ! આવો જવાબ મળતાં કોર્પોરેટર વધુ વિફર્યા હતા અને આ મામલે ટૂંક સમયમાં અધિકારીઓને ફરિયાદ કરવાની તૈયારી પણ કરી લીધી હતી.
આખરે વાત ક્યાં બગડી ?
આખાયે મામલા પર એક નજર કરવામાં આવે તો તાજેતરમાં જ વિરાણી ચોકમાં એક વિદ્યાર્થીને ટ્રાફિક પોલીસે ઉભો રાખ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા નંબરપ્લેટ વગર, લાયસન્સ વગર વાહન ચલાવતાં ચાલકો પાસેથી દંડ તેમજ વાહન ડિટેઈન કરવા સહિતની ઝુંબેશરૂપી કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત જ વિદ્યાર્થીને ઉભો રાખવામાં આવ્યો હતો. જો કે પોલીસનું રૌદ્ર સ્વરૂપ જોઈ વિદ્યાર્થી રડવા લાગ્યો હતો અને તેણે પિતાને આ અંગે ફોન કરતાં તેના પિતાએ તાત્કાલિક કોર્પોરેટરને ફોન કરતાં કોર્પોરેટર દ્વારા વિદ્યાર્થીને ફોન કરી ત્યાં હાજર પીએસઆઈ સાથે વાત કરાવવા કહ્યું હતું. જો કે વિદ્યાર્થીએ જેવો ફોન પીએસઆઈને આપ્યો કે તુરંત જ પીએસઆઈ દ્વારા એમ કહી દેવાયું હતું કે ગમે તે હોય, તેની સાથે વાત નહીં જ કરું. આ સમયે ફોન ચાલું હોય કોર્પોરેટર પણ આ વાત સાંભળી જતાં તેમણે ફોન કટ કરી નાખ્યો હતો. એકંદરે કોર્પોરેટર તરીકે તેમનું બિલકુલ માન ન રહ્યું હોવાનું લાગતાં તેમણે ઉચ્ચ અધિકારીઓને ટેલિફોનિક ફરિયાદો કરી હતી. કોર્પોરેટરનું આ અંગે કહેવું હતું કે મેં એટલા માટે જ ફોન કર્યો હતો કે વિદ્યાર્થી પાસે હાજર દંડ ભરવાના પૈસા ન્હોતા એટલા માટે મારે પોલીસ કર્મીને કહેવું હતું કે અત્યારે તેને જવા દે, દંડ ભરપાઈ કરવાની જવાબદારી મારી રહેશે પરંતુ તેણે મારું માન રાખ્યું ન્હોતું. આ પ્રકારનો પોલીસનો ‘કડવો’ અનુભવ માત્ર એક જ નહીં બલ્કે ચારથી પાંચ કોર્પોરેટરને થઈ ગયો હોવાનું સામે આવ્યું છે પરંતુ આ મુદ્દે કોઈ સામે આવીને બોલવા તૈયાર થઈ રહ્યું નથી.
‘ઈચ્છાધારી’ પોલીસને મન પડે ત્યારે ટ્રાફિક સિગ્નલ ચાલું-બંધ કરે છેઃ કોંગ્રેસ
અમદાવાદ, વડોદરા અને સુરત એમ ત્રણેય શહેરોમાં બપોરે ૧થી ૪ દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવી રહ્યા છે પરંતુ રાજકોટમાં હજુ આ ‘સિસ્ટમ’ અમલી બની નથી ત્યારે દસ દિવસ પહેલાં આ મુદ્દે કોંગ્રેસ દ્વારા પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કંઈ જ કાર્યવાહી થઈ રહી ન હોય ફરી એક વખત ‘યાદી’ આપવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું કે શહેરના ૨૬ જેટલા ટ્રાફિક સિગ્નલો ભરતડકામાં પણ ચાલું રહેતાં હોય લોકોએ નાછૂટકે તેમાં શેકાવું પડી રહ્યું છે. ટ્રાફિક સિગ્નલ મન પડે ત્યારે શરૂ કરાય છે અને મન પડે ત્યારે બંધ કરી દેવામાં આવે છે.
