“કાવ્યો, વ્યંગ અને નાટકો લોકશાહીનો અનિવાર્ય હિસ્સો છે: સર્વોચ્ચ અદાલત
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે જામનગર પોલીસે નોંધેલી ‘ સમાજમાં વૈમનસ્ય ફેલાવવાની ‘ ફરિયાદ શુક્રવારે સર્વોચ્ચ અદાલતે રદ કરી હતી અને વાણી સ્વાતંત્ર્યના અધિકારના રક્ષણ ઉપર ભાર મૂકી, નાટકો, વ્યંગ,કાવ્યો વગેરે સમાજનો આવશ્યક હિસ્સો હોવાનું જણાવ્યું હતું.નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એ સમયે આવ્યો છે જ્યારે કોમેડિયન કુણાલ કામરા સામે મુંબઈ પોલીસે ફરિયાદ નોંધી છે.સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં ગુજરાત પોલીસની પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
વિગત એવી છે કે ડિસેમ્બર 2024 માં જામનગર ખાતે કોર્પોરેટર અલ્તાફ ખફીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ સમૂહ શાદી કાર્યક્રમમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેના બેકગ્રાઉન્ડમાં એક કાવ્યના “એ ખૂન કે પ્યાસો… રબ કી કસમ લાશેં દફના દેંગે” જેવા શબ્દોનો ઉપયોગ થયો હતો.
આ શાયરી સમાજમાં વૈમનસ્ય ફેલાવી શકે છે તેવી ફરિયાદ જામનગરના એડવોકેટના એક ક્લાર્કએ કરી હતી અને પોલીસે વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઇમરાન પ્રતાપગઢીએ એ ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી પરંતુ હાઇકોર્ટે એ અરજી નકાર્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
તેનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કવિતા કોઈ ધર્મ વિરુદ્ધ નથી, બલ્કે તેમાં અહિંસાની વાત કરવામાં આવી છે, અને વાણી સ્વાતંત્ર્ય સમાજનો આવશ્યક ભાગ છે.અદાલતે આવી ફરિયાદ નોંધવા બદલ ગુજરાત પોલીસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી અને ગુજરાત પોલીસ કવિતાને સમજી ન શકી હોવાની તથા ફરિયાદ નોંધવામા મગજનો ઉપયોગ ન કર્યો હોવાની ટિપ્પણી કરી હતી.પોલીસે આ મામલે ફરિયાદ નોંધવામાં ઉતાવળ કરી અતિ અસંવેદનશીલ અભિગમ અપનાવ્યો હોવાનું અને વાણી સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારની યોગ્ય રીતે સમજણ દર્શાવી ન હોવાનું અદાલતે જણાવ્યું હતું.આ ઉપરાંત, કોર્ટે એ વાત પર પણ ભાર મૂક્યો કે નાગરિકોના અભિવ્યક્તિના અધિકારને દબાવવા માટે રાજ્યની સત્તાનો દુરુપયોગ ન થવો જોઈએ.
શું કહ્યું સુપ્રીમ કોર્ટે કાવ્યો, નાટકો અને વ્યંગ માટે ?
સુપ્રીમ કોર્ટે વાણી સ્વાતંત્ર્યના મહત્વ પર ભાર મૂકતાં એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી કે કાવ્યો, નાટકો, વ્યંગ અને સર્જનાત્મક અભિવ્યક્તિના અન્ય સ્વરૂપો લોકશાહીનો આવશ્યક હિસ્સો છે અને તે સ્વીકાર્ય હોવા જોઈએ. સર્વોચ્ચ અદાલતે આ વાતને વિસ્તારીને સમજાવી હતી કે આવા સર્જનાત્મક માધ્યમો સમાજમાં વિચારોનું આદાન-પ્રદાન કરવા, પ્રશ્નો ઉઠાવવા અને સામાજિક સંવાદને પ્રોત્સાહન આપવા માટે જરૂરી છે. કોર્ટે નોંધ્યું હતું કે લોકશાહીમાં વિવિધતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મૂળભૂત સ્તંભો છે. કાવ્યો અને વ્યંગ જેવા સાહિત્યિક સ્વરૂપો ઘણીવાર પ્રતીકાત્મક હોય છે અને તેમનો હેતુ સમાજને આયનો બતાવવાનો કે વિચાર પ્રક્રિયાને ઉત્તેજન આપવાનો હોય છે, નહીં કે ઝઘડા કે વૈમનસ્ય ફેલાવવાનો. આ ઉપરાંત, કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે લોકશાહીમાં સર્જનાત્મક અભિવ્યક્તિને નિયંત્રિત કરવાને બદલે તેને સમજવાની અને સહન કરવાની ક્ષમતા હોવી જોઈએ, સિવાય કે તેમાં સ્પષ્ટ રીતે હિંસા ભડકાવવાનો કે કાયદો અને વ્યવસ્થાને ખોરવનારો ઇરાદો દેખાતો હોય. સર્વોચ્ચ અદાલતે ભારતીય બંધારણના અનુચ્છેદ 19(1)(એ)નો ઉલ્લેખ કર્યો, જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની બાંયધરી આપે છે, અને કહ્યું કે આ અધિકારનું રક્ષણ કરવું એ રાજ્ય અને ન્યાયતંત્રની જવાબદારી છે.