PMJAYમાં ગેરરીતિ : રાજકોટની ગોકુલ અને ક્રાઈસ્ટ સહીત વધુ 21 હોસ્પિટલ સસ્પેન્ડ
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY) હેઠળ સારવાર કરનાર રાજ્યભરની હોસ્પિટલોમાં તપાસ કર્યા બાદ નિયમોનું પાલન ન થતુ હોય તેવી કેટલીક હોસ્પિટલો સામે કડક પગલાં ભરવાના ચાલુ રાખ્યા છે. આ અંતર્ગત એપ્રિલથી જૂન 2025 દરમિયાન રાજકોટની બે સહિત રાજ્યની વધુ 21 હોસ્પિટલોને આ યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

સરકાર સુત્રોએ આપેલી માહિતી મુજબ, એપ્રિલથી જૂન 2025ની કામગીરી દરમિયાન રાજકોટની ક્રાઈસ્ટ અને ગોકુલ હોસ્પિટલ સહિત સુરત, અમદાવાદ, પાટણ, છોટાઉદેપુર, તાપી અને ગાંધીનગર સહિતના જિલ્લાની વિવિધ હોસ્પિટલોને તાત્કાલિક અસરથી યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. કારણ કે, રાજ્ય સરકાર દ્વારા કરાયેલા મોનીટરિંગમાં અનેક પ્રકારની ગેરનીતી, વસ્તુઓનો અભાવ અને બેદરકારીઓ બહાર આવી છે.
PMJAY યોજના હેઠળ રજિસ્ટર્ડ અને હાલમાં સસ્પેન્ડ કરાયેલી આ હોસ્પિટલોએ તેમના સંકુલમાં સારવાર થતી બીમારીઓની વિગત દર્શાવતુ બોર્ડ લગાવવુ ફરજિયાત છે. સાથે જ, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ તમામ નર્સિંગ હોમ અને હોસ્પિટલોનાં રજિસ્ટ્રેશન હોવું પણ જરૂરી છે. પરંતુ હકીકતમાં ઘણી હોસ્પિટલો આ પાયાની ફરજિયાત શરતોનું પાલન કરતી નહતી.

સરકારના અધિકારીઓએ કરેલા ઇન્સ્પેકશન દરમિયાન અનેક હોસ્પિટલોમાં ઓપરેશન થિયેટરમાં અસ્વચ્છતા જોવા મળી હતી, સાથે જ ફાયર NOC ન હતું. આ ઉપરાંત ડાયાલિસિસ, પીડિયાટ્રિક ICU જેવી સેવાઓમાં માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતું જણાઈ આવ્યું હતું, તો કેટલીક હોસ્પિટોમાં CCTV કેમેરા અને બીયુ પરમિશનનો પણ અભાવ બહાર આવ્યો હતો.
આ પણ વાંચો : SMCના PSI સચિન શર્માનું હાર્ટ એટેકથી મોત : દરોડા દરમિયાન છાતીમાં દુખાવો થતા અચાનક ઢળી પડયા,પોલીસ બેડામાં શોક
ખાસ તપાસ કરતા એ પણ જાણવા મળ્યું કે, અમુક હોસ્પિટલમાં તો બીજી હોસ્પિટલના દર્દી દાખલ કરાયા હતા. સાથે જ લેબ રિપોર્ટમાં પણ ચેડાં કરીને ગેરકાયદેસર ક્લેઈમ કરાયાની માહિતી પણ બહાર આવી હતી. અમુક હોસ્પિટલમાં ઊંચા પેકેજની પસંદગી અને બાળકોના મોતનો ઉંચો દર નોંધાયો હોવાથી તેમની સામે કાર્યવાહી કરી આરોગ્ય વિભાગે આવી હોસ્પિટલોને 1થી 3 વર્ષ માટે PMJAY યોજનામાંથી બહાર કરી છે.
આ સસ્પેન્ડેડ હોસ્પિટલોને જો PMJAY યોજનામાં પુનઃ સામેલ થવું હોય તો યોગ્ય ક્વેરીનો જવાબ આપી તમામ જરૂરી પ્રમાણપત્રો રજૂ કરવા પડશે.