વનતારાથી સીધા જ સોમનાથ પહોંચ્યા પીએમ મોદી, સાસણમાં રાત્રિરોકાણ
સાસણ ખાતે આયોજિત સાતમી રાષ્ટ્રીય વન્ય જીવ બોર્ડ બેઠકમાં આપી હાજરી, આજે જંગલ સફારી કરશે
સોમનાથ : ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગર રાત્રી રોકાણ બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વન્યપ્રાણીઓ માટેના મહત્વના પ્રોજેક્ટ ‘વનતારા’ની મુલાકાત લીધી હતી. જો કે, વડાપ્રધાન નિર્ધારિત સમયથી વધુ સમય સુધી વનતારામાં રોકાતા રવિવારે ચાર વાગ્યે સોમનાથ ખાતે પહોંચ્યા હતા. બાદમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાના પ્રથમ એવા સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ હાજરી આપી હતી.આજે વડાપ્રધાન મોદી ગીર સેન્ચુરીમાં જંગલ સફારી કરી રાજકોટ હિરાસર એરપોર્ટથી દિલ્હી રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી પહોંચતા સોમનાથ હેલિપેડ ખાતે તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલિપેડ ખાતે વડાપ્રધાનના સ્વાગત-સત્કાર માટે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબહેન જાની, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા તથા મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના અગ્રણીઓને તેઓને આવકાર્યા હતા.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વહેલી સવારે જામનગર સર્કિટ હાઉસથી સીધા જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે 3000 એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલા આ વનતારા પ્રોજેક્ટની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં ઘાયલ, ત્યજી દેવાયેલા અને શિકાર કરાયેલા પ્રાણીઓને બચાવવા માટે શરૂ કરાયેલ સારવાર કેન્દ્રની તેઓએ મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટ હેઠળ, ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રાણીઓને બચાવવામાં આવી રહ્યા છે. પ્રાણીઓ માટે એક વિશ્વ કક્ષાનું આરોગ્યસંભાળ, હોસ્પિટલ, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રથી સજ્જ છે. જેમાં દુર્લભ પ્રજાતિના પ્રાણીઓનું રક્ષણ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વનતારા પ્રોજેકટ પ્રાણીઓ માટે વિશ્વ કક્ષાનું આરોગ્ય સંભાળ કેન્દ્ર છે. અહીં અદ્યતન હોસ્પિટલ, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. 650થી વધુ એકરમાં રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. 43 પ્રજાતિના 2,000થી વધુ પ્રાણીઓ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરમાં દેખરેખ હેઠળ છે. 2100થી વધુ કર્મચારીઓ વનતારા પ્રોજેક્ટમાં ફરજ બજાવે છે. રેસ્ક્યૂ સેન્ટરમાં 200 હાથી, 300 ચિત્તા, 300 દીપડા અને 300 હરણ છે.
હાલમાં વનતારામાં 1200થી વધુ સરીસૃપ જીવો મગર, સાપ અને કાચબાની સંભાળ રાખવામાં આવે છે. ભારતની સાથે સાથે દુનિયાભરમાંથી બચાવવામાં આવેલા પ્રાણીઓની સારવાર કરવામાં આવે છે. આફ્રિકા અને મેક્સિકોમાંથી ગંભીર બીમારીથી પીડિત પ્રાણીઓને બચાવીને વનતારા લવાયા છે. પ્રાણીઓ માટે અહીં આઇસીયુ, એમઆરઆઈ, સીટી સ્કેન, એક્સ-રે, એન્ડોસ્કોપી, ડાયાલિસિસ સહિતની સુવિધા છે.વડાપ્રધાન મોદીએ અહીં છ કલાકથી વધુ સમય વિતાવી જાણકારી મેળવી વનતારાની કામગીરીથી અભિભૂત થયા હતા.
દરમિયાન વનતારાથી વડાપ્રધાન સીધા જ હેલીકૉપટર મારફતે સોમનાથ પહોંચ્યા હતા જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપી તેઓ સીધા જ સાસણ ખાતે સાતમી રાષ્ટ્રીય વન્ય જીવ બોર્ડ બેઠકમાં હાજરી આપી હતી. વડાપ્રધાને રાત્રી રોકાણ પણ સિંહસદન ખાતે કર્યું હતું. પીએમ મોદી આજે સાસણ ગીર સેન્ચુરીમાં જંગલ સફારી કરી બાદમાં રાજકોટ એરપોર્ટ ખાતે ભાજપ અગ્રણીઓ સાથે બેઠક યોજી દિલ્હી રવાના થનાર હોવાનું જાણવા મળે છે.